છાણી પોલીસે ગોડાઉન, કન્ટેનર અને ટેમ્પામાં તપાસ કરતાં હેલ્મેટના બોક્સની આડમાં દારૂ સંતાડેલો હોવાનું ખુલ્યું
હિતેશ બિશ્નોઇ અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા
(પ્રતિનિધિ), વડોદરા | તા. 17
વડોદરા જિલ્લાના પદમલા ગામમાં જૈન મંદિર નજીક આવેલા ગોડાઉન તેમજ ગોડાઉન બહાર ઊભેલા બંધ બોડી કન્ટેનરમાંથી છાણી પોલીસે રૂ.71.68 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો બિશ્નોઇ ગેંગનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગેંગનો મુખ્ય સુત્રધાર હિતેશ બિશ્નોઇ અને તેનો એક સાગરિત હાલ ફરાર હોવાનું જણાઈ આવતા બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પદમલા ગામ વિસ્તારમાં આવેલા છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીઆઈ આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ 16 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગ અને ગોડાઉનોની ચેકિંગ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના ‘સનરાઇઝ એસ્ટેટ’ નામના તમાકુના ગોડાઉનમાં તેમજ ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડી કન્ટેનર અને મિની ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સેફ્ટી હેલ્મેટના બોક્સની આડમાં સંતાડી રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે છાણી પોલીસની ટીમે ગોડાઉન, કન્ટેનર અને ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સેફ્ટી હેલ્મેટના બોક્સની પાછળ વિદેશી દારૂની પેટીઓ છુપાવી રાખેલી મળી આવી હતી. પોલીસ કાર્યવાહીમાં કુલ 33,840 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ.71.68 લાખ) તેમજ રૂ.49 હજારની સેફ્ટી હેલ્મેટ મળી કુલ રૂ.72.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી ભારતસિંહ દીપસિંહ રાજપુત (રહે. હોથી ગામ, તા. થાના ચિતલવાના, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જ્યારે બિશ્નોઇ ગેંગનો હિતેશ બિશ્નોઇ (રહે. સેનદરી ગામ, તા. થાના-સેનદરી, જિ. બાડમેર, રાજસ્થાન) તથા તેનો એક અન્ય સાગરિત ફરાર હોવાથી બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પણ ગોડાઉનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. બૂટલેગરો ગોડાઉનમાં દારૂનો સ્ટોક કરીને અલગ-અલગ વિસ્તારોમાં તેની સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.