ગરમીના કારણે એન્જીન ગરમ થતા આગ પકડી લીધી હોવાનું અનુમાન
ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો,આગની લપેટમાં ટેમ્પો બળીને ખાખ થયો
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેર નજીક હાઈવે પર પદમલા પાસે આઈસર ટેમ્પોમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટેમ્પો બળીને ખાખ થયો હતો. સદ નસીબે જાનહાનિ થતા ટળી હતી.
વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં વધારો થવાની સાથે સાથે આગ લાગવાના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાહનોમાં આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત છે. ત્યારે, શહેર નજીક હાઈવે પર પદમલા પાસેથી પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પદમલા પાસે એક આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. અચાનક તેના આગળના ભાગેથી ધુમાડા નીકળતા ચાલકે રોડ સાઈડ પર ટેમ્પો થોભાવી દીધો હતો. અને ત્વરિત તેમાંથી નીચે ઉતરી ગયો હતો. તેવામાં અચાનક આગ પકડી લીધી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ટેમ્પો આગની લપેટમાં બળીને ખાખ થઈ ગયો હતો. સદ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
