મિશ્રા પરિવાર વચ્ચે ચાલતો વિવાદ વધુ વકર્યો, દીકરીઓની સરનેમ બદલવા માટે કોઈ કોર્ટનો આદેશ કે ગેઝેટ પ્રક્રિયા અપનાવવામાં આવી નથી, વડોદરામાં રહેતી પત્ની અને વિબગ્યોર સ્કૂલના સંચાલક સામે ગંભીર આક્ષેપો
વડોદરા તા.29
વડોદરા શહેરમાં મિશ્રા પરિવાર વચ્ચે ચાલતા વિવાદે ગંભીર વળાંક લીધો છે. માતાએ પોતાની બે દીકરીઓની સરનેમ બદલતા પિતાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. દીકરીઓની સરનેમ બદલવા માટે કોઈ કોર્ટનો આદેશ કે ગેઝેટ પ્રક્રિયા અપનાવવામાં આવી નથી. કોર્ટના આદેશ બાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં પત્ની અને વિબગ્યોર સ્કૂલના સંચાલક સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
દિલ્હીના અને હાલમાં ગોત્રી વિસ્તારમાં રહેતા અભિષેક મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2011માં તેમના લગ્ન અંકિતા ચૌહાણ સાથે થયા હતા અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. વર્ષ 2019માં પત્ની તેમની મંજૂરી વિના બંને દીકરીઓને સાથે લઈને મહેસાણા રહેવા ગઈ હતી. ત્યાં તેમણે દીકરીઓને નવી સ્કૂલમાં દાખલ કરાવી અને તેમની સરનેમ મિશ્રામાંથી બદલી ચૌહાણ કરી દીધી હોવાનો પિતાનો આક્ષેપ છે.
દીકરીઓની સરનેમ બદલવા માટે કોઈ કોર્ટનો આદેશ કે ગેઝેટ પ્રક્રિયા અપનાવવામાં આવી નહોતી. તેમ છતાં ખોટા દસ્તાવેજોના આધારે સરનેમ બદલાઈ અને બાદમાં વડોદરાની વિબગ્યોર સ્કૂલમાં એડમિશન લેતી વખતે પણ એ જ નામ રાખવામાં આવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
તેમની પત્ની અંકિતા મહેસાણાની દૂધસાગર ડેરીના એચ આર વિભાગમાં કાર્યરત હતી અને ત્યાં બોનસ કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી. પતિએ દાવો કર્યો છે કે આ બાબતે તેમણે અગાઉ સરકારને જાણ કરી હતી અને કેસ હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
વિબગ્યોર સ્કૂલના સંચાલકો પર ગેરરીતિ, વધારાની ફી વસૂલાત અને ખોટી માહિતી આપવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ કેટલાક અજાણ્યા લોકો દ્વારા દસ્તાવેજોમાં ફેરફાર અને ઓળખ બદલવાના પ્રયાસોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. અટલાદરા પોલીસ દ્વારા તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.