રેશકોર્સ રોડ ગૌતમ નગર સોસાયટીમાં ઘવાયેલી અવસ્થામાં મળી આવ્યું, પ્રાથમિક સારવાર આપી વેટરનરી હોસ્પિટલમાં ખસેડાયું
ખાસ શિયાળાની ઋતુમાં હિમાલય ઓળંગી દેશના વિવિધ રાજ્યોમાં પહોંચે છે આ ગાજ હંસ :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.10
ઉતરાયણને આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે, ત્યારે પતંગના ઘાતક દોરાથી લોકોના ગળા અને અબોલ પક્ષીઓ ઘવાતા હોવાનો દોર શરૂ થઈ ગયો છે.તેવામાં દુરોકોષથી હજારો કિમીનું અંતર કાપી આવતા પક્ષીઓ પૈકીનું એક ગાજ હંસ ( Greylag Goose ) પક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવતા પક્ષી પ્રેમીઓ દ્વારા ચકાસતા પતંગના ઘાતક દોરીથી તે ગંભીર રીતે ઘવાયું હતું. જેને ત્વરિત સારવાર આપી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હાલ, તેને લોહી વધુ પ્રમાણમાં વહેતુ હોવાથી વેટરનરી હોસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉતરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. નગરજનો પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે. જ્યારે કેટલાક તો અત્યારથી જ ધાબે ચડી પતંગો ચગાવી રહ્યા છે. તો બીજી તરફ પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ ઉતરાયણના તહેવાર પૂર્વે લોકોના ગળા કપાવાનો અને પક્ષીઓ પતંગના દોરાથી ઘવાતા હોવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. શહેરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા ખાસ શિયાળાની શરૂઆત થાય ત્યારે ઠંડા પ્રદેશોમાંથી આવતા પક્ષીઓ જેમાં ગાજ હંસ પતંગના દોરાથી ગંભીર ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જેને ત્વરિત સારવાર આપી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમને કોલ આવ્યો હતો, ગૌતમ નગર સોસાયટી માંથી રણજીતભાઈ ચૌહાણનો ફોન હતો આંબેડકર સર્કલ પાસે સોસાયટી છે એમાં એક બતક આવીને પડી છે. અમે ત્યાં જઈને જોયું તો ગાજ હંસ હતો. જેને ઇંગલિશ માં ગ્રેેલાઈ ગોસ કહેવાય છે. જે પતંગના દોરાથી ખૂબ જ વધારે પડતું ઘવાયું હતું, ઉડી શકાતું ન હતું. એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ થકી વેટરનરી હોસ્પિટલમાં તેની સારવાર કરી અને ટાંકા લેવામાં આવ્યા છે અને હવે તેની હાલત સરસ છે અને જ્યારે હવે તે ઉડતું થશે તેને પરત તેના વાતાનું કુલિત વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે અને આ જે બહારથી આવનાર પક્ષીઓ છે. એ ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર જોવા મળે છે. આ સિઝનમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં ઠંડા પ્રદેશોમાંથી આવતા હોય છે. હું લોકોને અપીલ કરું છું કે, ઉતરાયણ નો તહેવાર છે. આપણી તો મજા પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે. એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે એક બે કલાક પતંગ ન ચગાવો અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પરત એમના માળામાં જતા હોય છે ત્યારે, આટલો સમય તમે સાચવી લો તો ઘણા પક્ષીઓનો જીવ બચાવી શકો છો અને તમને આવું કોઈ ઘાયલ અવસ્થામાં પક્ષી જણાય આવે તો તુરંત વન વિભાગ અથવા અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર 9974554466 સંપર્ક કરી શકો છો.