Charotar

વડોદરા પછી હવે આણંદમાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મની કોશિષ


બહેનપણીએ જ એકાંત સ્થળે લઇ જઇ બે યુવકને સોંપી દીધી
(પ્રતિનિધિ) આણંદ તા.7
વડોદરાના ભાયલીના દુષ્કર્મના બનવા બાદ આણંદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેની બહેનપણી સાથે ગરબા રમવા ગઇ હતી. આ દરમિયાન સગીરા પર બે યુવકે દૂષ્કર્મ કરવાની કોશિષ કરતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ભોગ બનનાર સગીરાની બહેનપણીએ જ આ સહકાર આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આણંદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા રવિવારના રોજ તેની બહેનપણી સાથે ગામમાં ગરબા રમવા ગઇ હતી. જોકે, તેની બહેનપણીએ ગરબાના બહાને તેના અન્ય બે યુવકોને સાથે લીધાં હતાં. બાદમાં ચારેય એકાંત સ્થળે ગયાં હતાં. જ્યાં બહેનપણીએ સગીરાને તેની સાથે આવેલા બે યુવકને સોંપી દીધી હતી. બાદમાં બન્ને યુવકે દૂષ્કર્મ આચરવાની કોશીષ કરી હતી. જોકે, અચાનક બનેલી આ ઘટનાથી સગીરા ડગાઇ ગઇ હતી અને બૂમાબૂમ કરી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ તે પહેલા બન્ને યુવક અને સહેલી ત્રણેય ભાગી ગયાં હતાં. બીજી તરફ સગીરાની સ્થિતિ નાજૂક હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સગીરાના વાલીઓ પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. આ સામૂહિક દૂષ્કર્મની કોશિષની ઘટનાના પગલે નાયબ પોલીસ અધિક્ષક પણ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જ્યારે ભોગ બનનાર સગીરાની બહેનપણી અને બે યુવકને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. અલબત્ત, આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top