પંચાયત દ્વારા વારંવાર નોટિસ આપી હોવા છતાં ખાલી કરતો ન હતો, પોલીસ અને ગ્રામ્ય તેમજ મહાનગર પાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

પ્રતિનિધિ વડોદરા તા.19
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ રીતે અને મોટીમાત્રામાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થાય છે. ઘણા બુટલેગરો દારૂનો વેપલો કરવા માટે મકાન બાંધી ગેરકાયદે દબાણ કરી દીધા છે. ત્યારે પોલીસ અને પાલિકાના ટીમ દ્વારા બૂટલેગરો દ્વારા ગેરકાયદે દબાણ કર્યું હોય તેના સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેને લઇને પંચવટી પાસે બૂલટેગર દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણ પર બૂલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. હજુ આગામી દિવસોમાં પણ અન્ય બુટલેગરોનું ગેરકાયદે દબાણ દેખાશે તો તેનો સફાયો બોલાવાશે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહિયા વેચાય અને પીવાય છે. ઘણા બુટલેગરો રાજ્ય બહાર વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કટિંગ કર્યા બાદ વિસ્તારોમાં છુપી રીતે વેચાણ કરતા હોય છે. બીજી તરફ દેશી દારૂનું મોટી માત્રામાં વેચાણ કરાય છે. સાંજના સમયે બુટલેગરોને ત્યાં તો મેળા જેવો માહોલ સર્જાયો હતો કારણે દારૂનો નશો કરનાર લોકો દારૂ લેવા માટે આવતા હોવાથી મોટી ભીડ થતી હોય છે.ત્યારે દારૂનું ગેરકાયદે વેચાણ કરીને બુટલેગરોએ નગરપાલિકાની જમીન પર કબજો જમાવી બેસી ગયા છે. ત્યારે વડોદરાના જવાહરનગર વિસ્તારમાં પંચવટી કેનાલ પાસે ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખા પરમાર પંચવટી કેનાલ પાસે ગેરકાયદે નગર પાલિકાના જગ્યા પર દબાણ કરીને મકાન બાંધી દીધું હતું. છેલ્લા ઘણા સમયથી આ મકાનમાં ગેરકાયદે દેશી તથા વિદેશી દારૂનો વેચાણ કરતો હતો. કરોડિયા ગામ પાસે ગેરકાયદે બનાવેલા મકાન બાબતે પંચાયત દ્વારા વારંવાર નોટિસ આપી હોવા છતાં મકાન ખાલી કરતો ન હતો. જેથી 19 માર્ચના રોજ ગ્રામ્ય તથા મહાનગર પાલિકાની દબાણ શાખા ટીમ જવાહરનગર તથા ગોરવા પોલીસના કાફલા સાથે પંચવટી વિસ્તારમાં પહોંચી ગઇ હતી અને બુટલેગર મુન્ના દ્વારા ગેરકાયદે કરવામાં આવેલા દબાણ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે આગમી દિવસોમાં બુટલેગરો દ્વારા ગેરકાયદે કબજો કરીને મકાનો બાંધ્યા હશે તો તેમના પર તવાઇ બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે અન્ય નાનામોટા દબાણ પણ તોડી પાડવામાં આવ્યાં હતા.