Vadodara

વડોદરા : ન.પ્રા.શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવાની માંગ,પાલિકા ખાતે મળી બેઠક,16મીએ હડતાળ પર જવાની તૈયારી

બેઠકમાં કોર્ટ મેટરનો મુદ્દો આગળ ધરાયો,કાયદાકીય રીતે કઈ રીતે સમસ્યાનો ઉકેલ આવી શકે તે બાબતે ચર્ચા કરાઈ :

કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ,કાયમીના ઓર્ડર મળશે એ દિવસે ચેરમેનના હાથે મોઢું મીઠું કરશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓના મુદ્દે વડોદરા નગરપાલિકાની વડી કચેરીએ બેઠક મળી હતી. આ બેઠકમાં ડે.મ્યુ.કમિશનર,સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત કમિટીના સભ્ય હાજર રહ્યા હતા. જોકે આ બેઠકમાં કર્મચારીઓને ફરી એક વખત આશ્વાસન આપવામાં આવ્યું હોય, 16 તારીખના રોજ કર્મચારીઓ હડતાળ પાડી કામગીરીનો બહિષ્કાર કરશે. જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેવી ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં સાશનાધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાયદાકીય રીતે કઈ રીતે સમસ્યાનો ઉકેલ આવી શકે તે બાબતે ચર્ચા કરાઈ હતી, સાથે જરૂરી ડોક્યુમેન્ટ સહિતના પુરાવા રજુઆત કરવા માટે કર્મચારીઓ વતી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મામલે ડેપ્યુ.મ્યુનિસિપલ કમિશનર કેતન જોષીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ ચાલતો વિષય છે અને કાયદાકીય રીતે આ મુદ્દે આગળ વધી રહ્યા છે અને જરૂરી ડોક્યુમેન્ટ મંગાવવામાં પણ આવ્યા છે. ત્યારે આગળ આ બાબતે પાલિકાના અધિકારી સાથે ચર્ચા કરી અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. ત્યારે આ મુદ્દે સાશનાધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે, એક પ્રોસેસના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસમાં હજી બેઠક મળશે અને તેમાં આ મુદ્દે શું કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથે નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષ નિશિધ દેસાઈએ જણાવ્યું હતું કે, આવનાર દિવસમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ જોડે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ અંગે ચોથા વર્ગના કર્મચારી સંઘના અગ્રણી નિલેશ રાજે જણાવ્યું હતું કે, કમિટીએ લગભગ એક કલાક જેટલી ચર્ચા કર્યા બાદ એ લોકોને એવું કહેવું છે કે આ પ્રશ્ન છે એ કોર્ટ મેટરનો પ્રશ્ન છે. એટલે તમારા અને અમારા વકીલ ભેગા થઈ અને બેસીને આપણે કોઈ નિર્ણય લઈએ, તો અમારી જે 16 તારીખની હડતાલ છે તો અમે લોકો હડતાલ પાડવાના જ છે. શાળામાં જવાના નથી અને સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરવાના છે અને જ્યાં સુધી આ પ્રોસેસ ચાલશે. ત્યાં સુધી અમે હડતાલ પર બેસેલા હોઈશું. પ્રોસેસ પતી જશે અમને કાયમી ના ઓર્ડર મળશે એ દિવસે અમે ચેરમેનના હાથે મોઢું મીઠું કરીને અમે જવાના છે.

Most Popular

To Top