Vadodara

વડોદરા : ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને ઉંડેરાના યુવક સાથે ઠગાઈ

વિઝાની પ્રોસેસ કરવા માટે રૂ.14.50 લાખનો ખર્ચ થશે તેમ કહી રૂ. 2.20 લાખ પડાવ્યા

વડોદરા તારીખ 2

ઉંડેરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા યુવકને ન્યૂઝીલેન્ડના વિઝા બનાવી આપવાના બહાને તેની પાસેથી રૂપિયા 2.20 લાખ ઠગ પાડોશીએ પડાવી લીધા હતા. પરંતુ ઘણો સમય થઈ ગયો હોય વિઝા તૈયાર નહીં થતા યુવકને શંકા ગઈ હતી અને તેણે જાતે તપાસ કરી હતી. ત્યારે એજન્ટે કોઈ વિઝાની ફાઈલ માટે કોઈ પ્રોસેસ કરી ન હોય તેવું માલુમ પડ્યું હતું. જેથી એજન્ટ પાસે વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં નાણાં પરત નહીં આપતા યુવકે એજન્ટ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ઉંડેરા ખાતે આવેલી ઈશાનિયા ફ્લોરેન્જામા રહેતા નિક્ષીત રમેશભાઈ સોનીગ્રા હાલોલ ખાતે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2021માં તેમની સોસાયટીમાં રહેતા અંકીત અજીત પુરોહીત સાથે મુલાકાત થઈ હતી. અંકિત પુરોહિત તેમના ઘરની સામે રહેતા હોય નિક્ષીત તેને ઓળખતો હતો. વર્ષ 2024માં યુવક તથા અંકીત પુરોહીત સોસાયટીમાં ઉભા હતા. ત્યારે યુવકે તેને વિદેશમાં નોકરી માટે બહાર જવાની વાત કરી હતી. થોડા દિવસો ગયા પછી અંકીત પુરોહીતે નિક્ષીતને ન્યુઝીલેન્ડ ખાતે નોકરી અર્થે જવું હોય તો પોતે વર્ક પરમીટ વિઝાનું કરાવી આપશે તેમજ તેણે અગાઉ પણ ન્યુઝીલેન્ડ ખાતે ઘણા લોકોને વર્ક પરમીટ વિઝા કાઢી આપી મોકલ્યા છે અને અગાઉ વિઝા ૫રમીટ અંગેની ઓફીસ હતી પરંતુ હાલ બંધ કરી દીધી છે તેમ જણાવ્યુ હતુ. તેને યુવકના મોબાઇલ ઉપર ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝાનુ પેકેજ મોકલ્યું હતુ. જેથી યુવકને અંકિત પુરોહિત પર વિશ્વાસ આવી ગયો હતો અને યુવક ન્યુઝીલેન્ડના વિઝા કઢાવવા માટે તૈયાર થયો હતો. વિઝા બનાવવા તેના પાસ પોર્ટની નકલ તથા અન્ય ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટના વિઝા માટે રૂ.14.50 લાખનો ખર્ચો થશે તેમજ ત્રણ મહીનામાં ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા મળી જશે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ તેણે રૂ. 3 લાખ યુવક પાસે માંગ્યા હતા. પરંતુ યુવકે તેની પાસે હાલમાં રૂ.3 લાખ નથી તેમ કહી રૂ.2.20 લાખ ટુકડે ટુકડે એનઈએફટી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. અંકિત પુરોહીતે ન્યુઝીલેન્ડ ખાતેની બર્ગર કિંગના ઓફર લેટર વોટ્સએપ તથા મેલથી મોકલ્યા હતા અને અમદાવાદની અપોલો હોસ્પીટલ ખાતે મેડીકલ કરાવવા જણાવ્યુ હતું. જેથી અપોલો હોસ્પીટલ અમદાવાદ ખાતે મેડીકલ કરાવ્યુ હતું તથા પીસીસી માટેની પ્રોસેસ કરી હોય અને તેનું સર્ટિફિકેટ આવી ગયું હતું. યુવકે ન્યુઝીલેન્ડ ખાતેના વર્ક વિઝાની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે તે બાબતે પુછતા અંકિત પુરોહિતે વિઝાની પ્રોસેસ ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ યુવકને શંકા જતા તેને જાતે વિઝાની પ્રોસેસ કરી છે કે નહીં તેની ચકાસણી કરતા અંકિત પુરોહિતે ન્યુઝિલેન્ડ ખાતેના વર્ક પરમીટ વિઝાની કોઈ પ્રોસેસ કરી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવકે તેની પાસે ચૂકવેલા રૂ.2.20 લાખ પરત આપવા કહ્યું હતું. પરંતુ વારંવાર માંગણી કરવા છતાં અંકિત પુરોહિત રૂપિયા પરત આપતો ન હોય તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ યુવકે નોંધાવી છે.

Most Popular

To Top