Vadodara

વડોદરા : નિવૃત્ત જજને બે ફ્લેટ વેચાણ આપવાનું કહી બિલ્ડરે રૂપિયા 60 લાખ ખંખેર્યા

વડોદરા તારીખ 17

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરજ બજાવી ચૂકેલા અમદાવાદના નિવૃત્ત જજને ફતેગંજ વિસ્તારમાં બે ફ્લેટ વેચાણ આપવાનું કહીને બિલ્ડરે તેમની રૂપિયા 60 લાખ પડાવી લીધા હતા. પરંતુ ઘણા વર્ષો સુધી આ બિલ્ડરે સ્કીમનું બાંધકામ પૂર્ણ કર્યું ન હતું કે પઝેશન પણ આપતો ન હોય બિલ્ડર સહિતના ભાગીદારો વિરુદ્ધ વિરુદ્ધ નિવૃત્ત જજે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ સાયન્સ સીટી રોડ પર આવેલા સૂર્યનારાયણ બંગ્લોઝમાં રહેતા જસવંત કાંતિલાલ ગાંધી (ઉ.વ.69) નિવૃત્ત સેશન્સ જજ છે. વર્ષ 2005માં તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે તેમના સંબંધી અલ્પેશ વાશુભાઇ ગાંધી (રહે. આલ્ફ ટ્રાવેલ્સ ન્યાય મંદીર રોડ, વડોદરા) મારફતે બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા સુનિલ રાજેશ પંડિત (રહે. નિઝામપુરા, વડોદરા) સાથે ઓળખાણ થઈ હતી. આ સંબંધના કારણે સુનિલ પંડિત સાથે અવાર નવાર મળવાનું થતું હતુ. સુનીલ પંડીતે કહ્યું હતું કે સિટી સર્વે ન. 1541 રે.સ.નં. 78 પૈકીની જમીનમાં સાકાર – 6 નામથી ફ્લેટની સ્કીમ ભાગીદારી પેઢી અનવી ઇન્ફ્રાના નામે બનાવી વેચાણ કરીએ છીએ. તમારે ફલેટની ખરીદી કરવી હોય તો જણાવજો. તમને ફ્લેટ વ્યાજબી કિંમતે અપાવી દઈશ અને તેમા વળતર પણ મળશે.

આ સુનીલ પંડીત અવાર નવાર મળતા હોય નિવૃત્ત જજને તેના પર વિશ્વાસ આવી ગયો હતો.જેથી તેમની સાકાર-6 સ્કીમના ફલેટ જોવા માટે ગયા હતા. ત્યારે સુનીલ પંડિતે ફલેટ નં.102 તથા 103 બતાવ્યા હતા અને આ ફ્લેટનો દસ્તાવેજ કરાવી લો અને આ બંને ફલેટનો કબજો તમને સંપૂર્ણ બાંધકામ સાથે છ માસમાં મળી જશે તેમ જણાવ્યુ હતુ. સ્કીમનાં પેપર્સ એકદમ કલીયર છે તમને લોન જોઈતી હશે તો તે પણ થઈ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી નિવૃત જજે આ સાકાર 6માં બે ફ્લેટ ખરીદ કરવાની ઈચ્છા દર્શાવી અને આ મિલ્કત પરના બોજા અંગે તપાસ કરાવતા એસઓઆરમાં આ મિલકતનાં સરકારી રેકર્ડ ઉપર કોઈ પણ બેન્ક કે અન્ય ખાનગી વ્યક્તિનો બોજો નોંધાયેલો ન હતો તેવુ જાણવા મળ્યુ હતુ.

નિવૃત જજે બન્ને ફ્લેટ ખરીદવાનુ નક્કી કર્યું હતું. એક ફ્લેટની કિંમત રૂ. 30 લાખ લેખે બે ફ્લેટ રૂ.60 લાખ થતી હતી. જેમાથી સુનીલ પંડીતને 2017માં 60 લાખ રોકડા અને આરટીજીએસથી સુનીલને ચુકવી આપ્યા હતા. ત્યારે સુનીલ પંડિતે બંને ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. આ સુનીલ પંડિત જાતે દસ્તાવેજ નોંધાવી દસ્તાવેજ અમદાવાદ તેમના ઘરે આવી આપી ગયા હતા. દસ્તાવેજ થયાને એકાદ વર્ષ બાદ બાકી બાંધકામ પૂર્ણ કરવા નિવૃત્ત જજે કહેતા તેઓએ બીજી સ્કીમમાં હાલ કામ ચાલે છે. જેથી આ સાકાર – 6વાળી સ્કીમનું પઝેશન સોપવામાં મોડુ થાય તેમ છે તેવુ કહ્યુ હતુ.આ દરમિયાન વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કન્સ્ટ્રકશન કામ સ્થગિત રહ્યુ હોવાનુ કહીને પઝેશન પણ સુનિલ પંડિત આપતો ન હતો.

આમ આ સુનીલ પંડિત દ્વારા પૂરેપૂરા રૂપિયા 60 લાખ પડાવી લીધા હોવા છતાં બંને ફ્લેટનુ બાંધકામ પૂર્ણ કરતો નથી અને પઝેશન પણ નહી આપીને નિવૃત્ત સેશન્સ જજ સાથે ઠગાઈ કરવામાં આવી છે. જેથી જજ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ રાજેશ પંડિત સહિતના ભાગીદારો વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોધાવવામા આવી છે.

Most Popular

To Top