સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા, પતિ પત્ની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા
વડોદરા, તા.8
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે પરિચિત દંપતી દ્વારા રૂ.14.80 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરાવવાના બહાને દંપતીએ મોટી રકમ મેળવી બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ ગયું હતું. આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિઝામપુરાના પરિમલ પાર્ક સોસાયટીમાં રહેતા ભૌમિકકુમાર વસંતકુમાર શાહ દાંડિયાબજાર વિસ્તારમાં “ભાવના લાઈટ્સ” નામે લાઈટિંગનો વ્યવસાય કરે છે. તેઓની ઓળખાણ કેયુરભાઈ અશ્વીનભાઈ શેઠ અને તેમની પત્ની સાથે જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમો દરમિયાન થઈ હતી, જે બાદ બંને વચ્ચે નજીકનો પરિચય બંધાયો હતો.
આ ઓળખાણનો લાભ લઈને દંપતીએ સ્ટેશનરી તથા મોબાઈલ એસેસરીઝના વ્યવસાયમાં વધુ નફો થવાની લાલચ આપી રોકાણ કરવા સમજાવ્યા હતા. વિશ્વાસમાં આવીને વેપારી અને તેમના પરિવારજનો દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન વિવિધ બેંક ખાતાઓ મારફતે કુલ રૂ.14.80 લાખની રકમ દંપતીને આપવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, 5 માર્ચ 2026 સુધીમાં સમગ્ર રકમ આપવામાં આવ્યા બાદ બીજા જ દિવસે દંપતીએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી અને રહેઠાણ પરથી પણ ગાયબ થઈ ગયું હતું.
શરૂઆતમાં તેઓ બહારગામ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ સંપર્ક ન થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ દંપતી અન્ય લોકો પાસેથી પણ રોકાણના નામે રકમ લઈ ફરાર થઈ ગયું છે. જેથી ભૌમિકકુમાર શાહે કેયુર શેઠ અને તેમની પત્ની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.