બાળકો સ્કૂલના જૂના શિક્ષકોને છોડીને બીજે જવા માંગતા નથી :
શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળામાં ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવી :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.13
વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયમાં દીવાલ તૂટી પડવાની ઘટના બાદ પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળામાં ભણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ જ શાળામાં તેના શિક્ષકો જોડે જ ભણવા માંગે છે. સ્કૂલ ક્યારે પુનઃ કાર્યરત થશે તે માટે વાલીઓ વારંવાર રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોઈ જવાબ નહિ મળતા વાલીઓએ બાળકોને સાથે રાખીને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયમાં ગત વર્ષે રીસેસ દરમિયાન દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. સદ્નસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જે બાદ પાલિકા તંત્ર દ્વારા શાળા પરિસરને સીલ કરી દેવામાં આવ્યું છે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ સંચાલિત અન્ય શાળામાં ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે, નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ જ શાળામાં તેના શિક્ષકો જોડે જ ભણવા માંગે છે. જેથી વાલીઓ દ્વારા શાળાને ક્યારે સુરક્ષિત રીતે શરૂ કરવામાં આવશે તે અંગેનો જવાબ ટ્રસ્ટીઓ પાસે માંગવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીના પ્રયાસોમાં કોઇ નક્કર ઉકેલ નહીં આવતા મોટી સંખ્યામાં વાલીઓ નારાયણ વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં બાળકો સાથે વાલીઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમના સવાલોનો સાચો જવાબ મળે તેવી માંગ કરી હતી. જો તો તેમ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના સંતાન સાથે ધરણા પર બેસવાની તૈયારી પણ દર્શાવી હતી. વાલી રેશમબેન પરમારે જણાવ્યું કે, અમે આજે નારાયણ સ્કૂલમાં અગાઉ દીવાલ પડવાની જે ઘટની બની હતી. તેના અનુસંધાને અમે ટ્રસ્ટીઓ જોડે 6 મહિનાથી મીટિંગ કરી રહ્યા છીએ. પરંતુ તેઓ અમને કોઇ સાચો જવાબ આપતા નથી. તેઓ અમને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. કોઇ નક્કર નિર્ણય લેતા નથી. આ અંગે અમે ડીઇઓ કચેરીમાં પણ ગયા હતા. અમે છેક ગાંધીનગર સુધી રજુઆત કરીને આવ્યા છીએ. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. આજે મીટિંગ થઇ છે, આજે પણ તેઓ ગોળ ગોળ જ ફેરવી રહ્યા છે. અકસ્માતની ઘટના બન્યે આજે 217 દિવસો થઇ ગયા છે. અમે કહીએ ત્યારે મીટિંગ બોલાવે છે, ટ્રસ્ટ સામેથી કશું કરતું નથી. અને અમારા બાળકો હાલ જે સ્કુલમાં છે, ત્યાં સુવિધાઓનો અભાવ છે. અમારા બાળકો આ શાળા અને તેના શિક્ષકો છોડીને બીજે જવા માંગતા નથી. અમે પાંચ વખત ટ્રસ્ટીને મળ્યા છીએ. પહેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, અમે શાળા બનાવીશું. ટ્રસ્ટીઓ પૈકી જે અસહમત હતા, તેમણે છુટ્ટા થવાની તૈયારી દર્શાવી હતી. તેમની આંતરિક બાબતનું કોઇ નિરાકરણ લાવતા નથી. તેઓ માત્ર વાતો જ કરે છે. દર મીટિંગમાં અમે આ જ વાત કરી રહ્યા છે. દક્ષેશ શાહને છુટ્ટા થવું છે. અમારે નિર્ણય જોઈએ છે. જો તેમ નહીં થાય તો અમારી છોકરાઓ સાથે અનશન પર બેસવાની પણ તૈયારી છે. આ વિસ્તારના કોર્પોરેટર અને ધારાસભ્યો ફોન ઉપાડતા નથી. અમને તેમનો સહયોગ મળી રહ્યો નથી. અમારા બાળકોની સંખ્યા 1899 છે,તેઓ નારાયણ ઈન્ટરનેશનલ શાળામાં ભણી રહ્યા છે.
