વૃંદાવન ચાર રસ્તા સર્કલ પર લાગેલા સીસીટીવીના પોલ પર યુવક ચઢી ગયો
ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકો દ્વારા યુવાનને સિફત પૂર્વક નીચે ઉતારી પોલીસને હવાલે કર્યો
( પ્રતિનિધિ ) વડોદરા તા.6
વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે નશામાં ધૂત યુવકની કરતુતે તંત્રને દોડતું કર્યું હતું. શહેરના વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ પર લાગેલા સીસીટીવીના પોલ પર આ યુવક ચઢી ગયો હતો. જેનો જોઈ ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા.
તાજેતરમાં જ એક યુવક નશામાં ધૂત થઈ પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. જેને બચાવવા તંત્રમાં દોડધામ મચી હતી. તે નીચે ઉતરતી વખતે પડી જતા જમીન પર ધડાકાભેર પટકાયો હતો. અને દાનવરૂપી દારૂએ તેનો ભોગ લીધો હતો. ત્યારે વધુ એક યુવક નશામાં ધૂત થઈ સર્કલ પર લાગેલા સીસીટીવીના પોલ પર ચઢી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વાઘોડિયા રોડ વૃંદાવન સર્કલ ખાતે આવેલા સીસીટીવી કેમેરાના પોલ ઉપર એક યુવાન ચઢી ગયો હતો. મોડી સાંજે સીસીટીવી કેમેરાના પોલ પર ચઢી ગયેલા યુવાનને ઉતારવા માટે સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કરવા છતાં પણ ન ઉતરતા આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વૃંદાવન ચાર રસ્તા સર્કલ સ્થિત સીસીટીવીના પોલ ઉપર દારૂના નશામાં ધૂત એક યુવાન ચઢી ગયો હતો. દારૂના નશામાં ધૂત યુવાન પોલ ઉપર ચઢતાની સાથે જ લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. ચાર રસ્તા ઉપરના સર્કલ સ્થિત પોલ ઉપર આ યુવાન ચઢી ગયો હોવાને પગલે ટ્રાફિક સિગ્નલના કારણે ઉભેલા વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. જાણવા મળ્યા મુજબ પોલ ઉપર ચડી ગયેલા યુવાનને ઉતારવા માટે ટોળે વળેલા લોકોએ પ્રયાસો કર્યા હતા. પરંતુ આ યુવાન ન ઉતરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા પોલ ઉપર ચઢી ગયેલા યુવાનને સિફત પૂર્વક નીચે ઉતારીને પોલીસના હવાલે કર્યો હતો. પોલ ઉપરથી ઉતારેલા યુવાન ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું. જો કે આ યુવાન કયા કારણોસર પોલ ઉપર ચઢી ગયો હતો. તે અંગેની કોઈ માહિતી પોલીસ તપાસમાં બહાર આવી નથી. દારૂના નશામાં ધૂત યુવાન નશામાંથી બહાર આવ્યા બાદ કયા કારણોસર તે પોલ ઉપર ચઢી ગયો હતો તે અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.