સરદાર એસ્ટેટ પાસે અકસ્માત સર્જી ટેમ્પોનો ચાલક ફરાર
નશાની હાલતમાં હોવાના બસના ચાલકે કર્યા આક્ષેપ

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે મોડી રાત્રે રોંગ સાઈડ ઉપર ધસી આવેલા એક ટેમ્પો ચાલકે સિટી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. જોકે અકસ્માત સર્જી ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે સીટી બસના ચાલકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસે સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથધરી હતી. સીટી બસના ચાલકે ટેમ્પોનો ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ કર્યા હતા.

વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેર અને જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સરદાર એસ્ટેટ રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે રીક્ષા પલટી મારતા ચાલકનું મોત થયું હતું. જ્યારે મોડી રાત્રે સરદાર એસ્ટેટ રોડ ઉપર જ વધુ એક અકસ્માતની ઘટના બની હતી. સ્ટેશનથી સોમા તળાવ ફેરા મારતી સીટી બસને અકસ્માતો નડ્યો હતો. સરદાર એસ્ટેટ રોડ ઉપર રોંગ સાઈડ પર હંકારી ટેમ્પોના ચાલકે સીટી બસ સાથે અકસ્માતો સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માત સર્જાતા બસમાં સવાર પાંચથી છ જેટલા મુસાફરો અટવાયા હતા. જેમને બીજા વાહન મારફતે મુસાફરી કરવાની ફરજ પડી હતી. બીજી તરફ સીટી બસના ડ્રાઈવરે પોલીસ કંટ્રોલરૂમ 100 નંબર ડાયલ કરી જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટેમ્પો કબજે કરી ફરાર થયેલા ટેમ્પોના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
સીટી બસના ડ્રાઇવર મહેશભાઈ પરમાર જણાવ્યું હતું કે, હું ગાડી લઈને જતો હતો. મારી ટ્રીપ પૂરી થઈ ગઈ એટલે સ્ટેશન પર ગાડી મૂકવા જઈ રહ્યો હતો આ ટેમ્પો ડ્રાઇવર પીધેલી હાલતમાં હતો. રોંગ સાઈડ આવ્યો હતો અને ગાડી ઘુસાડી દીધી હતી. પાંચ છ જેટલા સીટી બસમાં પેસેન્જર હતા. એ લોકો તો નીચે ઉતરીને જતા રહ્યા હતા. અકસ્માત થયો એટલે મેં મારા સાહેબને ફોન કરીને જાણ કરી દીધી હતી. જ્યારે અકસ્માત કરીને ટેમ્પો ચાલક અહીંથી ફરાર થઈ ગયો હતો. સરદાર એસ્ટેટ બાજુથી ટેમ્પો ચાલક રોંગ સાઈડ પર આવ્યો હતો. મેં 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી દીધી હતી.