જોઈન્ટ સીપી, ડીસીપી,પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા શહેર પોલીસ અને કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે શુક્રવારે દબાણ હટાવવા પહોંચેલી પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ વચ્ચે નવાપુરા મહેબુબપુરામાં બબાલ થઈ હતી. કેટલાક લોકો અધિકારીઓ અને પોલીસને ઘેરી વળ્યા હતા. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી.
વડોદરા શહેરમાં નાગરવાડાવિસ્તારમાં આવેલી મહેતા વાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપનની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ બાબર પઠાણ અને તેના સાગરીતોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પોલીસ પ્રશાસન અને કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા રસ્તા રેસામાં અવરોધ રૂપ આવતા દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે.
સતત ચોથા દિવસે પણ શુક્રવારે શહેર પોલીસ વિભાગ અને પાલિકાની દબાણ શાખાની ટીમ નવાપુરા વિસ્તારમાં ત્રાટકી હતી. જ્યાં મહેબૂબ પૂરા ખાતે દબાણ હટાવવા જતા લોક ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું. એક તબક્કે પાલિકાના અધિકારીઓ અને પોલીસને લોકોએ ઘેરી લેતા વાતાવરણ તંગ થયું હતું. બનાવને પગલે પોલીસ કંટ્રોલમાં મેસેજ જતા જ પોલીસ વિભાગના જોઈન્ટ સીપી,ડીસીપી,પીઆઈ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
જોઈન્ટ સીપી મનોજ નીનામાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. કોર્પોરેશનના પ્રોગ્રામ મુજબ નવાપુરામાં દબાણ હટાવવાનો કાર્યક્રમ હતો. એ દરમિયાન કોઈ લારી ઉઠાવવા બાબતે કોઈ ટોળા એકઠા થઈ ગયા હતા અને મેસેજ કંટ્રોલને મળતા અમે અધિકારીઓ સહિતનો કાફલો અહીં પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. પરંતુ કોઈ એવો બનાવ ન બને એ માટે તકેદારી ભાગરૂપે અમે પૂરતો પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવ્યો છે. લારી ચડાવવા અને ઉતારવા બાબતે અધિકારીઓ કર્મચારીઓ સાથે આ લોકો માથાકૂટ કરતા હતા અને પોલીસ આવી જવાથી એ દબાણ જે લારી હટાવેલી એના પછી હટાવી લેવામાં આવી છે કોઈને પકડવામાં આવ્યા નથી.