Vadodara

વડોદરા : નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા મેદાનોમાં પર ડોગ-બોમ્બ સ્કોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ

ખેલૈયા સહિતના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા સુચના અપાઇ, યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ,  નવલખી ગરબા ગ્રાઉન્ડ સહિતની જગ્યાએ ચકાસણી

પ્રતિનિધિ વડોદરા તા.3

આજથી શરૂ થઇ રહેલી નવલી નવરાત્રીના તહેવાર લઇને ગરબા મેદાનમાં વિશાળ જનમેદની એકઠી થવાનો હોય વડોદરા શહેરના યુનાઇટેડ-વે, લક્ષ્મીવિલાસ પેલેસ,  નવલખી ગરબા ગ્રાઉન્ડ સહિત અન્ય ભીડ-ભાડવાળી જગ્યાઓએ આવતા નાગરિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવ્યો ન હતો. ઉપરાંત પ્રવેશ દ્વારો પર સ્કેનિંગ કરતા સિક્યુરિટીને પણ લોકોની સલામતી માટે સુચના અપાઇ હતી.

સંસ્કારીનગરી વડોદરામાં ભારે ઉત્સાહ સાથે નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ નવરાત્રીને લઇને લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા મેદાનોમાં પર ભીડ એકઠી થતી હોય છે. ત્યારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજથી શરૂ થતી નવરાત્રીને લઇને જ્યાં લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ જેવી કે મોલ, શોપીંગ સેન્ટરો, બાગ-બગીચાઓ, હોસ્પિટલો, સિનેમાઘરોમાં તથા નાના-મોટા ગરબા ગ્રાઉન્ડોમાં આવતા લોકોની સુરક્ષાના  હેતુથી સીકયુરીટી તેમજ સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સુચના આપવામાં આવી હતી. જેને લઇને એસઓજી પીઆઇ એસ.ડી.રાતડાએ યુનાઇટેડ-વે. લક્ષ્મીવિલાસ પેલેસ, નવલખી ગરબા ગ્રાઉન્ડ ઉપર સહિતના જુદી-જુદી જગ્યાઓએથી ગરબા રમવા માટે આવતા નાગરીકો સાથે કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી, બોમ્બ સ્કોડ, કવીક રીસ્પોન્સ ટીમ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને ગ્રાઉડમાં, આજુબાજુ પાર્કિંગ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓ તથા ખાણી-પીણીની દુકાનો વિગેરે જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  પ્રવેશદ્વારો ઉપર લોકોના સ્કેનિગથી આવતાં-જતાં લોકોની સલામતી માટે રાખવામાં આવેલલા સિકયુરીટીને જરૂરી સુચના પણ અપાઇ હતી. ચેકીંગની કામગીરી દરમ્યાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી.

Most Popular

To Top