Vadodara

વડોદરા : નર્મદા નદીમાં ડૂબેલા  બે યુવાનોના મૃતદેહો બે કિલોમીટર દૂરથી મળ્યાં

તરવૈયાઓએ બંનેના મૃતદેહો બહાર કાઢી શિનોર પોલીસને સોપ્યા

વડોદરાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં 25 લોકોના ગૃપના બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા હતા : 

 ( પ્રતિનિધિ ) વડોદરા તા.25

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં શુક્રવારે નાહવા માટે આવેલા અંકલેશ્વરના માડવા અને ભરૂચ જિલ્લાના મક્તમપુરા ગામના 25 લોકોના ગૃપના બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા હતા. આજે સવારે બંને યુવાનોના મૃતદેહો મઢીથી બે કિલોમીટર દૂર દરોલી – કોઠીયા પાસેથી મળી આવ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના અને ભરૂચ જિલ્લાના મકતમપુરા ગામના 25 જેટલા લોકોનું ગ્રુપ પિકનીક સ્પોટ બનેલા શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. જેમાંથી અંકલેશ્વરના માડવા ગામના 30 વર્ષિય પરિમલ  રમેશભાઈ પટેલ અને ભરૂચના મક્તમપુરા ગામના  15 વર્ષિય યશ રાકેશભાઈ પટેલ ડૂબી જતા લાપતા થયા હતા. આ બંને યુવાનોની કરજણ ફાયર બ્રિગેડના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો મળ્યો ન હતો. ગ્રુપના બે યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

દરમિયાન આજે સવારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંનેના મૃતદેહ બે કિલોમીટર દૂર પાણીમાં તરી રહ્યા હતા. તરવૈયાઓએ બંનેના મૃતદેહો બહાર કાઢી શિનોર પોલીસને સોપ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહો કિનારે લાવતા પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પરિવારોનુ  રૂદન જોઈ ગૃપના લોકો પણ આસું રોકી શક્યા ન હતા.ગામના તલાટીએ આ બનાવ અંગેની જાણ શિનોર નાયબ મામલતદારને કરી હતી અને બચાવ ટુકડી મોકલવા માટે જણાવ્યું હતું.  તુરતજ નાયબ મામલતદારે કરજણ ફાયર બિગેડને કરતાં  લાશ્કરો તમામ સાધન સામગ્રી સાથે આવી પહોંચ્યા હતા.  તે પૂર્વે ગામના તલાટીએ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને નર્મદા નદીમાં લાપતા થયેલા બંને યુવાનોની શોધખોળ શરૂ કરાવી દીધી હતી.  આમ કરજણ ફાયર બિગેડના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી બંને યુવાનોનો કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. નોંધનીય છે કે કાળઝાળ ગરમીમાં લોકો નદી કિનારા ઉપર પિકનિક મનાવવા સાથે નાહવા માટે જતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ લગાવવા છતાં તેની અવગણના કરીને લોકો ઊંડા પાણીમાં નાહવા માટેનો આનંદ લેવા જતા હોય છે. પરિણામે આવી દુર્ઘટનાઓ બને  છે.

Most Popular

To Top