મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો કર્યો પરિપત્ર :
એક બિલ્ડિંગમાં ચાલતી સવાર અને બપોરની પાડીમાં આવતા વિદ્યાર્થીઓને એક કલાક વીસ મિનિટની અપાઈ છૂટછાટ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.28
આગામી દિવસોમાં રમજાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ રમઝાન માસને લઈને એક વિવાદિત પરિપત્ર કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. જ્યારે સમગ્ર મામલે બોર્ડ મીટીંગ બોલાવીને આ પરિપત્ર રદ કરવો કે સમયમાં બદલાવ કરવો તે અંગે નિર્ણય લઈશું તેમ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી શરૂ થતા રમજાન માસને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રમજાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક બિલ્ડિંગમાં ચાલતી સવાર અને બપોરની પાર્ટીમાં આવતા વિદ્યાર્થીઓને એક કલાક વીસ મિનિટની છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે અન્ય એક બિલ્ડીંગમાં ચાલતી શાળામાં વિદ્યાર્થીઓને બે કલાકની છૂટછાટ આપવામાં આવી છે અને એક માર્ચથી આ પરિપત્રનો અમલ કરવા પણ સૂચના આપી દેવામાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર સવારની પાડી નો સમય બદલીને સવારે 8:00 થી બપોરે 1 અને બપોરની પાડીનો સમય બદલીને 12:30 થી સાંજે સાડા ચાર વાગ્યાનો કરવામાં આવ્યો છે. જ્યારે એક પાડીની શાળાઓ માટે બપોરે 12:30 થી સાંજે સાડા ચારનો સમય કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાઅધિકારી શ્વેતાબેન પારગી એ જણાવ્યું છે કે, વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવે છે આવો પરિપત્ર કરવો જરૂરી નથી. શિક્ષણ સમિતિ નિર્ણય બદલી પણ શકે છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈએ જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ મીટીંગ બોલાવીને આ પરિપત્ર રદ કરવો કે સમયમાં બદલાવ કરવો તે અંગે નિર્ણય લઈશું. વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે આ નિર્ણય યોગ્ય નથી. અમારા માટે વિદ્યાર્થીઓનો અભ્યાસ સૌથી મહત્વ ધરાવે છે તેમ જણાવ્યું હતું.

જ્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમજાન માસને લઈને વિવાદિત કરવામાં આવેલા પરિપત્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિનું કહેવું છે કે, અમે આ પરિપત્રને વખોડીએ છીએ. શાસકો અધિકારીઓને એક જ ધર્મના પ્રત્યે પ્રેમ કેમ છે તેઓ સવાલ કર્યો હતો. રમજાનની જેમ નવરાત્રી પર્વમાં પણ આવો નિર્ણય કરવો જોઈએ. શાસકો અધિકારીઓએ તાત્કાલિક આ પરિપત્ર પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી પણ કરી હતી.