Vadodara

વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ટેન્કરની અડફેટે બાઇક ચાલકનું મોત, ટેન્કરનો ચાલક ફરાર

મૃતક નંદેસરીમાં ખાનગી વ્યક્તિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા :

કંપનીઓ દ્વારા કરાતા આડેધડ વાહન પાર્કિંગને કારણે રસ્તા પર લોકોને વાહન ચલાવવું મુશ્કેલ :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.14

વડોદરા શહેરના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વિવિધ કંપનીઓ દ્વારા મોટા વાહનોના કરાવવામાં આવતા આડેધડ પાર્કિંગના કારણે બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટેન્કરનો ચાલક ફરાર થતા નંદેશરી પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

વડોદરાના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ વિવિધ કંપની દ્વારા રોડ રસ્તા ઉપર જ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાતું હોવાથી ઘણીવાર મોટા અકસ્માતો સર્જાતા રહી ગયા છે. પરંતુ રવિવારે પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લાના નાપાડ ખાતેના રહીશ બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડ નંદેસરી સ્થિત ખાનગી વ્યક્તિના ત્યાં ડ્રાઇવરની નોકરી કરતા હતા. જોકે વિવિધ કંપનીઓ દ્વારા કરાતા આડેધડ પાર્કિંગના કારણે રસ્તાઓ પર વાહનચાલકોને હવે વાહન ચલાવવાનું મુશ્કેલ બને છે. તેવામાં પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં જ નંદેસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટેન્કર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top