આજવા રોડ જે.પી.નગર પાણીની ટાંકી પાસેની ઘટના
વાતાવરણ તંગ બનતા પોલીસ કાફલો દોડી આવ્યો,પરિસ્થિતિ સંભાળી

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા જેપી નગર પાણીની ટાંકી પાસે જાહેર રોડ પર ક્રિકેટ રમી રહેલા યુવકોને ધ્યાનથી ક્રિકેટ રમવાનું કહેતા સ્થળ પર હાજર યુવકોનું ટોળું મોટરચાલકો ઉપર તૂટી પડ્યું હતું. બેટ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે તેઓના વાહનની પણ તોડફોડ કરી હતી મામલો બિચકતા ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને ફરિયાદીની ફરિયાદને આધારે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.વડોદરા શહેરમાં હાલ હિંદુ મુસ્લિમના તહેવારોનો દર ચાલી રહ્યો છે તેવામાં વડોદરા શહેરના આજવા રોડ ઉપર કોમી છમકલુ થતા રહી ગયું હતું. પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

વડોદરા શહેરના આજવા રોડ જેપી નગર પાણીની ટાંકી પાસે આવેલા ઝેનીથ અમીન સોસાયટીમાં રહેતા 29 વર્ષીય ગુલામ મહંમદ મોહમ્મદ મુનાફ ચીનીવાલા ગતરાત્રિના સમયે મંગળ બજારથી શોપિંગ કરીને પોતાની ટુવિલર લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ વખતે રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેપી નગર પાણીની ટાંકી પાસે રોડ ઉપર કેટલા યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. જેઓને ગુલામ મોહમ્મદે ધ્યાનથી ક્રિકેટ રમો તેમ કહેતા ક્રિકેટ રમી રહેલા ભરતભાઈ ઉર્ફે ભાવેશભાઈ ક્રિષ્ના ભાઈ ઉત્તેકરે તેઓને જેમ તેમ બીભસ્ત ગાળો ભાંડી હતી. ત્યારબાદ તેની પાસે રહેલી ક્રિકેટ બેટ તેઓના માથા ની ડાબી બાજુ ફટકારી દીધું હતું. તેવામાં ભરત ઉર્ફે ભાવેશ સાથે ક્રિકેટ રમતા અન્ય હર્ષ, પીંડી ઉર્ફે કરણ તથા મહેશ નામના યુવકો દોડી આવ્યા હતા અને મોપેડ પર સવાર ગુલામ મોહમ્મદને ગાળો ભાંડી તેમની બાઇક ટુવિલર ને બેટ તથા પથ્થરો વડે ફટકારી નુકસાન પહોંચાડ્યું હતું. મામલો બિચકતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે પોલીસ આવતા પહેલા જ હુમલો કરનાર યુવકો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જ્યારે, ઇજાગ્રસ્ત ગુલામ મોહમ્મદે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
