ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો પ્રારંભ….
વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવ્યું :
બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત : વાલીઓ
સમગ્ર રાજ્યમાં સોમવાર તા.24 થી પ્રારંભ થતી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે.
ધોરણ 12 ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર મુકવા આવેલા વાલીઓએ જણાવ્યું હતું કે, વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા, ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે. જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે છ થી સાત કિલોમીટર સફળ કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું એ કેટલું યોગ્ય તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.