Vadodara

વડોદરા : ધોળા દિવસે ચાકુની અણીએ યુવક પાસેથી મોબાઇલની લૂંટ

કરચીયા-રણોલી રોડ પર યુવક મિત્ર સાથે રીલ બનાવવા ઉભો હતો ત્યારે એકટીવા પર બે શખ્સ આવ્યા, મારી નાખવાની ધમકી આપી ઘટનાને અંજામ આપ્યો

વડોદરા, તા. 22
વડોદરાના કરચીયા વિસ્તારમાં ધોળા દિવસે મોબાઈલ લૂંટાયો હોવાની ઘટના બની છે. કરચીયા- રણોલી રોડ પર રીલ બનાવવા માટે ઉભેલા બે મિત્રો પાસે બે શખ્સો ધસી આવ્યા હતા અને એક યુવકને ચપ્પુ બતાવી તેની પાસેથી મોબાઇલ ફોન છીનવી લઈ ફરાર થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કરચિયા રોડ ઉપર ફાટક પાસે આવેલી ટાટા કોલોનીમાં રહેતા દિલીપકુમાર દીપકકુમાર બેઠા (ઉ.વ.19) ગુજરાત રિફાઇનરી ખાતે ખાનગી કંપનીના પ્રોજેક્ટમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. રવિવારે રજા હોવાથી તે પોતાના મિત્ર રોશનકુમાર રાજકુમાર સાહ (મૂળ પશ્ચિમ ચંપારણ, બિહાર) સાથે નાસ્તા માટે કરચીયાથી રણોલી તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન બંને મિત્રો રીલ્સ બનાવવા માટે કરચીયા રણોલી રોડ પર ઉભા રહ્યા હતા. બપોરના અંદાજે 12 વાગ્યાના સમયે એક સફેદ રંગની એક્ટિવા પર સવાર બે શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમાથી એક શખ્સ લાઈટ ગ્રીન ટી-શર્ટ અને કાળા પેન્ટમાં હતો. તેણે દિલીપકુમારના હાથમાં રહેલો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. જ્યારે બીજા ઇસમે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક ડરી થઈ ગયો હતો અને મોબાઇલ છોડી દીધો હતો. બન્ને આરોપીઓ મોબાઇલ લઈને સફેદ એક્ટિવા પર પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બંને શખ્સની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top