અરૂણાચલ એપાર્ટમેન્ટના પ્રથમ માળના મકાનમાં તસ્કરો ઘુસ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતા બેસણાના પ્રસંગમાં ગયા હતા જ્યારે પુત્ર અને પુત્રી સવારે મકાનને તાળા મારીને નોકરી પર ગયા હતા. ત્યારે ધોળા દહાડે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી રૂ. 1.75 લાખની મતાની સાફસુફી કરીને પલાયન થઇ ગયા હતા. યુવકની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અરુણાચલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રથમ અરુણકુમાર પટેલ દુમાડ ચોકડી પાસે શોમ એનર્જી સિસ્ટમ નામની સોલારની ઓફિસમાં નોકરી કરે છે. 19 સપ્ટેમ્બરના રોજ તેમના માતા અને પિતા દરિયાપુરા ગામે બેસણાના પ્રસંગમાં જવા માટે સવારના સાત વાગ્યાના સુમારે નીકળી ગયા હતા. ત્યારબાદ યુવક તથા તેમની બહેન પિંકલ પટેલ ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારીને નોકરી ઉપર ગયા હતા. યુવક સાંજના સાંડા પાંચ વાગ્યાના અરસામાં નોકરી પરથી છુટીને ઘરે આવ્યો હતો. ત્યારે તેમના મકાના દરવાજાનું તાળુ નકુચો સાથે તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. યુવકને મકાનમાં તસ્કરોએ ઘુસ્યા હોવાનો શંકા ગઇ હતી. જેથી તેઓએ મકાનમાં અંદર જઇને તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં અને તેના લોકરમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી રૂ. 1.75 લાખની માલમતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.