50 ટકા વિદ્યાર્થીનેજ કોમર્સમાં પ્રવેશ આપવા સામે પૂર્વ વિદ્યાર્થીઓનો વિરોધ :
યુનિવર્સિટીની પોતાની આગવી સ્વાયતતા છીનવીને કોમન એકટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક લઇ લેવામાં આવી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.30
વડોદરા શહેરની ગૌરવસમી વિશ્વવિખ્યાત એમ.એસ, યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે હેતુથી કરવામાં આવી હતી. વર્ષ 2024 થી યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ હવે વીસીના મનસ્વી વલણને કારણે વિદ્યાર્થીઓનું ભાવે જોખમમાં મુકાયું છે. વડોદરાના સ્થાનિક માત્ર 50% વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે, તેવા અણગઢ નિર્ણય સામે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ એકત્ર થઈ પોસ્ટર સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
વર્ષ 2023 થી એમ.એસ. યુનિવર્સિટીની પોતાની આગવી સ્વાયતતા છીનવીને કોમન એકટ હેઠળ ગુજરાત સરકાર હસ્તક લઇ લેવામાં આવી છે. ત્યાર પછી વર્ષ 2024 માં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક 50 ટકા વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાકીના 50 ટકા વિદ્યાર્થીને વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવાના સ્વપ્ન અધુરા રહેશે. વડોદરા વાસીઓ હંમેશા પોતાના બાળકને વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં ભણાવીને ઉજજ્વળ ભવિષ્ય બનશે એવા સ્વપ્ન જોતા હતા. માર્ચ 2024 ની બોર્ડની પરિક્ષામાં પરિણામ ખૂબજ ઉચું આવવાથી વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સારા ગુણો સાથે પાસ થયા હોય અને MSU તરફથી 5,320 સીટ F.Y.B.COM માટે ફાળવવામાં આવેલી હોય અને તેમાંથી 50 % સ્થાનિક વિદ્યાર્થીને એડમિશન આપવાની જાહેરાતથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવાની ફરજ પડશે અને વાલીઓ માટે ખર્ચનો બોજો વધશે. ત્યારે, વડોદરા શહેર જિલ્લાના જેટલા વિદ્યાર્થીઓને કોમર્સક્ષેત્રે ભણી કારકીર્દી બનાવી હોય તેવા તમામ વિદ્યાર્થીને એમ.એસ.યુનિવર્સિટીમાં F.Y.B.COM માં પ્રવેશ આપવામાં આવે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના સ્વપ્નને સાકાર કરવા આપના માઘ્યમથી સરકારને રજૂઆત કરીએ છીએ કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કહી વડોદરાના તમામ વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે.
પૂર્વ વિદ્યાર્થી કિરીટ પુરાણીએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટી ની અંદર 83% કરતાં વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. યુનિવર્સિટીમાં સીટો વધારવાની જગ્યાએ જે નવા વીસી છે એ સીટો ઘટાડી રહ્યા છે, અને 50% જ લોકલ વિદ્યાર્થીઓને એ લોકો એડમિશન આપવાનું કહી રહ્યા છે. અમે અત્યારે બધા પૂર્વ વિદ્યાર્થીઓ છે. જે યુનિવર્સિટીમાં અગાઉ ભણી ગયા છે. વાલીઓ બધા ભેગા થઈ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે કે, આ મનસ્વી વલણ ન ચાલે યુનિવર્સિટીની અંદર મહારાજા સયાજીરાવે જ્યારે પણ યુનિવર્સિટી સ્થાપિત કરી ત્યારે ઉદ્દેશ એ હતો કે વડોદરાના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરવા મળે એ રીતે એમનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે 50% જ વિદ્યાર્થીઓને એડમિશન મળે તો બાકીના વિદ્યાર્થીઓ ક્યાં જશે. અમારા વિદ્યાર્થીઓ ક્યાં ભણશે. એના માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.