વડોદરા, તા. 21
ઉંડેરા વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં રહેતા કેટલાક લોકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન સોસાયટીના કમિટી મેમ્બર યુવક ઝઘડો છોડાવવા માટે ગયો હતો. પરંતુ ઝઘડો છોડાવવાને બદલે આ લોકોએ કમિટી મેમ્બર યુવક સાથે જ ઉગ્ર બોલાચાલી કરી, ત્યારબાદ તેના પર હિંસક હુમલો કર્યો હતો. લોહી લુહાણ થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘવાયેલા યુવકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલા ઈસાનિયા સ્કાયબ્રિજ ફ્લેટમાં સોસાયટીના કેટલાક લોકો નજીવી બાબતે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીના કમિટી મેમ્બર તરીકે કામ કરતો યુવક લોકોના ઝઘડાને શાંત કરવા માટે વચ્ચે પડ્યો હતો.
ઝઘડો ઉગ્ર બનતા સોસાયટીના જ કેટલાક સભ્યો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી, જેના કારણે દોડધામ મચી ગઈ હતી. તે સમયે કેટલાક લોકોએ ભેગા મળી કમિટી મેમ્બર યુવકને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ બેઝબોલની સ્ટિક વડે યુવકના માથામાં હુમલો કર્યો હતો.
મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, “હું સોસાયટી કમિટી મેમ્બર તરીકે ઝઘડો છોડાવવા ગયો હતો, ત્યારે મુકેશભાઈ, ધ્રુવ તથા ભારતીબેને મારા પર બેઝબોલની સ્ટિકથી હુમલો કર્યો હતો.” આ મામલે યુવકે હુમલાખોરો વિરુદ્ધ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.