મારા અંગત વિચારોમાં આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છુટ આપવી જોઇએ : ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વડોદરામાં નવરાત્રીના બીજા નોરતે સંસ્કારી નગરીને કલંકિત કરનારી ગેંગ રેપની ઘટના સામે આવી હતી. તે બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા આરોપીઓને ફાંસી આપવાની માંગ મુકવામાં આવી હતી. અને તે મામલે કોઇ પણ પક્ષાપક્ષીથી ઉપર મળીને બહેન દીકરીઓને ન્યાય અપાવવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. તે ઘટના બાદ અનેક જગ્યાએ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી. જે અંગે તેમણે દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઇએ તેવો બેબાક અંગત મત મીડિયા સમક્ષ મુક્યો છે. નવરાત્રી સમયે રાજ્યના અલગ અલગ શહેરો પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનામાં આરોપીઓને સખતમાં સખત સજા મળે તે માટે પોલીસ તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. ત્યારે વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં આરોપીઓને સજા અંગે મોટું નિવેદન મીડિયા સમક્ષ કર્યું છે. શૈલેષ મહેતા એ જણાવ્યું કે, આ ઘટનાઓ દુખદ છે. ગુજરાત માટે તો ખાસ. આ બધી જ ઘટનાઓ પાછળ પરપ્રાંતિય લોકો પકડાયા છે. ત્યારે મારા અંગત વિચારોમાં આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છુટ આપવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસની ઘાક હોવી જોઇએ. અત્યારે જે રીતે બનાવો બની રહ્યા છે. તેમાં એવું પ્રસ્થાપિત થઇ રહ્યું છે કે, પોલીસની ઘાક નથી રહી. પોલીસે તમામ કેસોમાં સુંદર કામગીરી કરી છે. બનાવના 48 કલાકમાં જ વડોદરાની ઘટનાના આરોપીઓની પકડી પાડવામાં આવ્યા છે. સુરતની ઘટનામાં ભાગતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં એક આરોપીનું ગભરામણથી હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે. આ તેમનું કર્મ તેને મૃત્યુ તરફ લઇ ગયું છે. પણ આવાને એન્કાઉન્ટર કરતા ખચકાવું ના જોઇએ. જેમાં તમામે પોલીસની પડખે રહેવું જોઇએ. કોઇ વાદ વિવાદ ના હોવો જોઇએ. દીકરી પર કોઇ કૃત્ય કરશે તો તેને સાખી લેવામાં નહીં આવે.
વડોદરા : દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરો, ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની માંગ
By
Posted on