મોબાઈલ ટોર્ચનો સહારો લેવો પડ્યો, નિરાશ થવાનો વારો આવ્યો :
કોર્પોરેશનની ઘોર બેદરકારી સપાટી પર આવવા પામી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરને સુશોભિત કરતા કોર્પોરેશનના દિવાળીપુરા ગાર્ડનમાં લાઇટો ગુલ થતા મોર્નિંગ વોક માટે આવતા સિનિયર સિટીઝન ટોર્ચ લાઇટના સહારે રહેવા મજબુર બન્યા હતા. શાળાઓમાં કોલેજોમાં દિવાળી વેકેશન ચાલતું હોવાથી બાળકો પણ મોટી સંખ્યામાં ગાર્ડનમાં રમવા આવતા હોય છે. પરંતુ તેમને નિરાશ થવાનો વારો આવ્યો હતો. લાઇટ અંગે ફરજ પર હાજર ઓપરેટરને પુછતા તેણે અયોગ્ય વર્તન કર્યું હોવાની માહિતી મળી હતી. આ અગાઉ પણ આ ગાર્ડનમાં લાઇટો ગુલ થવાના મામલે ચર્ચામાં આવ્યું હતું.
વડોદરામાં દેશના પીએમ મોદીનું આગમન અને દિપાવલી પર્વ હોવાથી શહેરમાં ક્યારે ના થઈ હોય તેવી સાફસફાઇ અને લાઇટોનું આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું હતું. જો કે, શહેરભરને ચમકાવનારૂ કોર્પોરેશન દિવાળીપુરા ગાર્ડનમાં લાઇટો ઉપલબ્ધ કરાવી ના શક્યું. દિવાળી વેકેશન ચાલતું હોવાથી બાળકો સાંજ પડ્યે મોટી સંખ્યામાં બાગમાં રમવા આવતા હોય છે. સાથે જ સિનિયર સિટીઝન ખાસ કરીને બાગની મુલાકાત નિયમીત પણે લેતા હોય છે. અને સ્વાસ્થ્ય પ્રેરક એક્ટીવીટીમાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે. આ વચ્ચે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં લાઇટો ગુલ થઇ જવાની ઘટના સામે આવી હતી. લાઇટો ગુલ થઇ જવાના કારણે સવારે અને સાંજના સમયે વોક કરવા આવેલા સિનિયસ સિટીઝન ગ્રુપના સભ્યોએ ટોર્ચ લાઇટના સહારે ચાલવું પડ્યું હતું. જેમ જેમ અંધારૂ વધતું ગયું તેમ તેમ લોકો બાગમાંથી બહાર નીકળવાના શરૂ થઇ ગયા હતા. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનો મતવિસ્તાર લાગે છે. લાઇટ ના હોવાના કારણે તે માટે ઓપરેટરને પુછતા તેણે યોગ્ય વર્તન ના કર્યું હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.