છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમિયાન તાપ સાથે અસહ્ય ગરમી ઉકળાટભર્યા વાતાવરણથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા.18
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વિરામ જોવા મળ્યો હતો. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ વધારો થતાં શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 23 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ત્યારે શહેરમાં ગુરુવારે સાંજે સવા છ વાગ્યાથી છાણી,છાણી જકાતનાકા, બાપોદ તથા માંજલપુર, સયાજીગંજ, કારેલીબાગ સહિતના વિસ્તારમાં વરસાદી હળવા ઝાપટાં પડ્યા હતા.

રાજ્યમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગામી તા 23 સપ્ટેમ્બર દરમિયાન શક્યતા છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અને રાજ્યમાં મેઘ વિરામ બાદ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.

ત્યારે ગુરુવારે શહેરમાં સાંજે સવા સવા છ વાગ્યાથી છાણી, છાણી જકાતનાકા, સયાજીગંજ, બાપોદ જકાતનાકા, કારેલીબાગ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. હળવો વરસાદ પડતાં ગરબા આયોજકોમા ચિંતામાં આવી ગયા હતા અને સ્ટેજ, ઇલેક્ટ્રિક સ્ટેશનોને ઢાંકવા મેદાનમાં પ્લાસ્ટિક ઢાંકવા દોડાદોડી કરી હતી.આગામી નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની પણ શક્યતા હોવાથી આયોજકોની ચિંતા વધી છે.