Vadodara

વડોદરા : દિલ્હી NCPCRમાં ફરિયાદ બાદ પોદ્દાર સ્કૂલને નોટિસ,દંડ નહિ ભરે તો માન્યતા થશે રદ

ધોરણ ચારમાં પ્રવેશ આપવા માટે મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીનો રિટર્ન ટેસ્ટ લેવાયો :

વડોદરાનું તંત્ર નબળું હોવાથી વાલીએ દિલ્હીમાં ફરિયાદ કરવી પડી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

માણેજા ખાતે આવેલી પોદાર સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ પાઠવી દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આ સ્કૂલ દ્વારા ત્રણ દિવસમાં દંડની રકમ ભરવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ચોથા ધોરણમાં પ્રવેશ આપવા ઇન્ટરવ્યુ અને પરીક્ષા મામલે દિલ્હી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડમાં વાલીએ ફરિયાદ કરી હતી.

માણેજા ખાતે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે બાળક કે તેના વાલી નો ઇન્ટરવ્યૂ લઈ શકાય નહીં. આ બાબતે શિક્ષણ વિભાગે પ્રતિબંધ લાદયો છે, તેમ છતાં આ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ચોથા ધોરણમાં પ્રવેશ આપવા માટે એક બાળકનું ઇન્ટરવ્યૂ અને તેની રિટર્ન પરીક્ષા પણ લીધી હતી. ત્યારે આ સમગ્ર મામલે વાલીએ નેશનલ ચાઈલ્ડ વેલ્ફેર બોર્ડને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે બોર્ડે વડોદરા કલેકટરને આ ફરિયાદ સંદર્ભમાં એક્શન લેવા તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તપાસ સોંપવામાં આવી હતી. જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માણેજાની પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં તપાસ કરી મેનેજમેન્ટ અને વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. જેમાં અંતે પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હોવાનું ફલિત થયું હતું. જેથી કરીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં દંડ ભરવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. અત્રે મહત્વની બાબતો એ છે કે વાલીએ આ મામલે સીધી ફરિયાદ એનસીપીસીઆર દિલ્હીમાં કરવી પડી હતી. જેથી ફલિત થાય છે કે અહીંનું તંત્ર ક્યાંક ખાનગી શાળાઓ સાથે મિલીભગત તો નથીને. અત્યાર સુધી વાલીઓ દ્વારા ઘણી વખત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં આવી ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવતી મનમાની સામે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે આજે પણ ઘણી ખાનગી શાળાઓ મન ફાવે તેમ પોતાના નિર્ણયો મુજબ વાલીઓ પાસેથી તગડી ફી વસૂલ કરી રહી છે.

Most Popular

To Top