
તુલસીધામ ચાર રસ્તા પાસે ફરવા નીકળેલી સગીરા કુતરાથી ડરી જતા પિતા અકળાયાં
માંજલપુર પોલીસ દ્વારા કુતરાને મારી નાખનાર શખ્સની ધરપકડ કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.18
માંજલુપર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતી સગીરા પોતાના પાળેલા કુતરાને ફરાવવા માટે નીકળી હતી અને શેરી કુતરાને બેઠેલુ જોઇ ગભરાઇ ગઇ હતી. ત્યારબાદ તેણે ઘરે જઇને તેના પિતાના વાત કરતા પિતા દારૂ પીધેલા હાલતમાં રોષે ભરાયા હતા અને લાકડીથી કુતરાના માથાના ભાગે ફટકો મારતા કૂતરાનું મોત નિપજ્યું હતું. પોલીસે કુતરાને મારી નાખનારા શખ્સની ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એરફોર્સ સ્ટેશનની પાછળ હવેલી રેસીકમ પ્લાઝામાં રહેતા ચંચલબેન પંકજભાઈ વસિષ્ટ ‘CAREASTRAY FOUNDATION’ નામની શેરીમાં રખડતા કુતરાઓના રક્ષણ માટે સંસ્થા વર્ષ 2022 થી ચલાવે છે. મહિલાના મોબાઇલ પર 17 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે કોઈ એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે તુલસીધામ ચાર રસ્તા પાસે સ્વામી સહજાનંદનગર સોસયટીમાં દારૂ પીધેલા શખ્સે શેરી કુતરાને માથાના ભાગે લાકડીના ઉપરા છાપરી ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધુ હતું. જેના કારણે મહિલા તાત્કાલિક સંસ્થાના કાર્યકર સોનમ સુરેશકુમાર તિવારી સાથે ઘટના સ્થળ પર ગયા હતા અને ત્યા જઈને ફોન કરનાર મહિલાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં તેમની સોસાયટીમાં રહેતા પ્રવિણ મધુકર કદમ (રહે, સ્વામી સહજાનંદ નગર, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા)ની સગીર દીકરી તેમના પાળેલા કુતરા લઇને તેને ફરાવવા માટે નીકળી હતી. તે સમય દરમિયાન શેરી કુતરુ મહિલાના ઘર પાસે બેઠું હતું. ત્યારે તેમની સગીર દીકરી કુતરા જોઈને ડરી ગઇ હતી અને દોડી સગીરા ઘરે જતી રહી હતી અને તેના પિતા પ્રવિણ કદમને લઈને આવી હતી. દીકરીએ વાત કરતા પ્રવિણ કદમ દારૂ પીધેલી હાલતામાં રોષ ભરાયા હતા અને લાકડી વડે શેરી કૂતરાને માથામાં તેમજ શરીર ફટકા માર્યાં હતા. જેમાં માથામાં ગંભીર ઇજા થવાના કારણે શેરી કુતરાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જેથી સંસ્થાના ચંચલબેન વસિષ્ટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ કદમ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.