છાણી પોલીસે કટીંગ દરમિયાન રેડ કરી રૂ. 8.44 લાખના વિદેશી દારૂના અને બિયરના જથ્થા સાથે એકને દબોચ્યો, પાંચ વોન્ટેડ
વડોદરા તારીખ 24
વડોદરા જિલ્લાના દશરથ ગામ પાસે ગોડાઉનમાં છાણી પોલીસે રેડ કરીને રૂપિયા 8.44 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દશરથ પાસેના ગોડાઉનમાંથી અઢી લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

વડોદરા શહેર નજીક આવેલા દશરથ પાસેના ગોડાઉનમાં તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ પાડીને અઢી લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરમિયાન છાણી પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ત્યારે છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર એલ પ્રજાપતિ ની સૂચના મુજબ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ગુમાનસિંહ ભેમસિંહને બાતમી મળી હતી કે દશરથ પાસે આવેલા ગોડાઉનમાં કન્ટેનરમાંથી દારૂ ઉતારવામાં આવ્યો છે અને હવે આ ગોડાઉનમાંથી બે પિકઅપમાં દારૂ કટીંગ કરાઈ રહ્યો છે. તેના આધારે છાણી પોલીસની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી રૂપિયા 8. 44 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે દેવેન્દ્ર રાજુરામ બલઈ ( રહે રાજસ્થાન) ઝડપાઈ ગયો હતો. જેથી છાણી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, બે પિકઅપ વાન અને કન્ટેનર મળી રૂપિયા 46.24 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે વિકાસ કનૈયારામ બલઈ તથા સત્યનારાયણ કાલુરામ બલઇ ( બંને રહે, ગામ-શિવપુરી, રામદેવ ચોરાયા, તા.માંડલ થાના-કરેડા જી,ભીલવાડા રાજસ્થાન) તેમજ અન્ય ત્રણ શખ્સ નહિ ઝડપાતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.