Vadodara

વડોદરા : દશરથ પાસેથી ઝડપાયેલા વિદેશી દારૂમાં ગોધરાના લિસ્ટેડ બૂટલેગરની સંડોવણીની શંકા

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી રૂ.2.44 કરોડના વિદેશી દારૂ સાથે ચારની ધરપકડ કરાઇ હતી, ફરાર આરોપીઓને પકડવા ટીમો એક્ટિવ

દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલી પિકઅપ ગાડી ગોડાઉન પાસેથી કબજે, છાણી પીઆઇ સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ફફડાટ

પ્રતિનિધિ વડોદરા તા.18

વડોદરા શહેરના દશરથ ગામ પાસેથી રૂ.2.44 કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા છે. જેમાં આ દારૂનો જથ્થામાં ગોધરામાં મોટાપાયે દારૂનો ધંધો કરતા લિસ્ટેડ બૂટલેગરની સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે. બીજી તરફ ગોડાઉન પાસેથી પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાતી પિકઅપ પણ કબજે કરાઇ છે. ઉલ્લેખનીય છે કે આ ઝડપાયેલા દારૂના જથ્થામાં છાણી પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરાતા અન્ય પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

 વડોદરા શહેરના દશરથ ગામ પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને રૂ. 2.44 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પરથી ચાર જેટલા શખ્સની ધરપકડ કરીને મુખ્ય આરોપી રાજુ બિશ્નોઇ સહિત પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. જોકે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો એસએમસીની ટીમે પકડતા શહેર પોલીસ તંત્રનું નાક કપાઇ ગયું હતું. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ગઢવીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. જેના પગલે પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે. હાલમાં આ ઇન્કવાયરી એસીપી કક્ષાના અધિકારીને સોંપાઇ છે અને તપાસ પીસીબી પીઆઇ સી બી ટંડેલ કરી રહ્યા છે. રિમાન્ડના પ્રથમ દિવસે ચાર આરોપીઓની પૂછપરછ કરતા દશરથ ખાતેના ગોડાઉનમાંથી દારૂનો જથ્થા રાખીને ગોધરા ખાતે મોટાપાયે દારૂનો જથ્થો ધંધો કરતા લિસ્ટેડ બૂટલેગરને મોકલવાનો હતો તેવી વિગતો જાણવા મળી છે. જેથી ગોધરાના બૂટલેગરની સંડોવણી પણ બહાર આવી શકે છે. ગોડાઉનમાંથી દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં પિકઅપ ગાડી પીસીબી પોલીસે ગોડાઉન પાસેથી કબજે કરી લીધી છે. ત્યારે આ ગાડી કોની છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત અન્ય ફરાર આરોપી્ને પકડવા માટે પણ અલગ અલગ ટીમો એક્ટિવ કરાઇ છે.

– ગોધરાનો બૂટલેગર પકડાશે તો કયા ઉમેદવારે દારૂ મંગાવ્યો હતો તેની વિગતો બહાર આવશે

 હાલમાં પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ગોધરામાં મોટાપાટે દારૂનો ધંધો કરતા એક લિસ્ટેડ બૂટલેગરની સંડોવણી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આ બૂટલેગરની ઝડપી પાડવાના ચક્રો ગતમાન કર્યા છે. જો બૂટલેગર પકડાશે તો આગામી દિવસોમાં પંચાયતની ચૂંટણીમા મતદારોને રિઝવવા માટે કયા ઉમેદવારે દારૂનો મંગાવ્યો હતો તેની વિગતો તપાસમાં બહાર આવે નવાઇ નહી.

– માલિકે બે મહિના માટે ગોડાઉન ભાડે આપ્યું હોવાની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવી

 રાજૂ બિશ્નોઇએ દારૂનો ગોડાઉન બે મહિના માટે દશરથના પટેલ માલિક પાસેથી ભાડે રાખ્યું હતું. જેના કારણે પટેલે બૂટલેગર પાસેથી એડવાન્સમાં બે મહિનામાં રૂપિયા 36 હજાર ભાડુ પણ વસૂલ કરી લીધુ હતું. જેથી પીસીબી દ્વારા બાલાજી ટ્રેડર્સના ગોડાઉન માલિકે ભાડે આપેલા ગોડાઉનની પોલીસ પાસે નોંધણી કરાવી હોવાની તપાસ કરાતા તેણે છાણી પોલીસ સ્ટેશનમાં કોણે કેટલા રૂપિયામાં ગોડાઉન ભાડે આપ્યું છે તેની તમામ વિગતો નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top