સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા છાણી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી પણ ઊંઘતી ઝડપાઈ
વડોદરા તા.16
સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડી શહેર પોલીસ નું નાક કાપી નાખ્યું છે. દશરથ ગામમાંથી ઝડપાયેલા ગોડાઉનમાં રાજસ્થાન પાસેની ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ એસએમસીની ટીમ રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહીંયા વેચાય છે અને પીવાય છે. શહેરમાં ગેરકાયદે દારૂનો ધંધો કરતા બુટલેગરો રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે ઊભા કરેલા ગોડાઉનમાં આ જથ્થો સંતાડી રાખ્યા બાદ તેનો અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરતા હોય છે. દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને હાલમાં વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામે આવેલા એક ગોડાઉનમાં આ દારૂની પેટીઓ મુકવામાં આવી રહી છે. જેના આધારે બાતમી મુજબના દશરથ ગામે આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હતો તે દરમિયાન જ એસ એમ સીની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી અને સ્થળ પરથી ચાર જેટલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવેલી રેડ ના કારણે છાણી પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમ પણ ઊંઘતી ઝડપાઈ હતી. એસએમસીના અધિકારીઓ દ્વારા હાલમાં તમામ જથ્થો કબ્જે કરવામાં આવી રહ્યો છે. દારૂનો જથ્થો અને આરોપીઓને છાણી પોલીસને સોંપવામાં આવશે. એસએમસીની ટીમ દ્વારા આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તથા આ ગોડાઉન કોનું છે કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો આ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.