ચાર દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા :
અગાઉ પણ મંગળ બજાર ,નવા બજારમાંથી દબાણો દૂર કર્યા બાદ આજે પણ જે સે થેની પરિસ્થિતિ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ વહીવટી વોર્ડ 14 માં સમાવિષ્ટ ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ત્રાટકી હતી. જ્યાં મંગળ બજાર ખાતે વેપારીઓ સાથે વોર્ડ અધિકારી સહિત દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી.
વડોદરા શહેરમાં અતિ ભરચક ગંદકી ધરાવતા એવા ચાર દરવાજા વિસ્તારમાં દુકાન ધારકો દ્વારા કરવામાં આવતા દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા 365 દિવસ રહેતી હોય છે. બીજી તરફ રિક્ષા સ્ટેન્ડ નહીં હોવા છતાં પણ રીક્ષા ચાલકો દ્વારા આડેધડ મુસાફરો બેસાડી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મુકતા હોય છે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા અગાઉ ઘણી વખત આ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ ફરીથી અહીંયા દબાણોનો જમાવડો થઈ જતા ફરી એક વખત ગુરુવારે વહીવટી વોર્ડ નંબર 14 ના વોર્ડ અધિકારીએ દબાણ શાખાની ટીમ સાથે ચાર દરવાજા વિસ્તારમાં દબાણોનો સફાયો બોલાવ્યો હતો.
દબાણ શાખાની ટીમની એન્ટ્રી પડતાં જ મંગળ બજાર નવા બજારમાં દબાણકર્તાઓ દ્વારા ફટાફટ કોર્પોરેશન ની ટીમ સર સામાન જમા કરે તે પહેલા જ પોતાનો સામાન હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે મંગળ બજારમાં વેપારી અને વોર્ડ અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી. સૌપ્રથમ કોર્પોરેશન દ્વારા એક ટ્રક મંગાવવામાં આવી હતી સરસામાન જમા કરાવ્યા બાદ જરૂર પડશે અન્ય ટ્રક મંગાવવામાં આવશે હોવાનું વોર્ડ અધિકારીએ જણાવ્યું હતું.