વિપક્ષે ગેરહાજરી સાથે ઉઠાવ્યા સવાલો
પૂર નિવારણમાં કોણે દેખાડ્યો ઉત્સાહ ?
વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં પૂર નિવારણ માટે ડે. મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજુમદાર દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં માત્ર 6 કોર્પોરેટર હાજર રહેતા અન્ય કોર્પોરેટરોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોર્પોરેશનની વિશેષ સામાન્ય સભામાં કમિશનર દિલીપ રાણાએ ઝોન મુજબ સૂચનો લેવા અંગે જણાવ્યું હતું, જે અંતર્ગત આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વોર્ડ નં. 16ના કોર્પોરેટર અલકાબેન પટેલે પરિવાર ચાર રસ્તા થી સોમા તળાવ સુધીની કાંસ સાફ કરવાનું સૂચન કર્યું. તેમણે રૂપારેલ કાંસની સફાઈ અને વાસ તળાવ ઊંડું કરવાના મુદ્દા ઉઠાવ્યા હતા. વોર્ડ નં. 19ના કોર્પોરેટર અલ્પેશ લિંબચિયાએ પાણી ભરાવાની સમસ્યાઓને ધ્યાનમાં લેતા નદીની સમાંતર કાંસ બનાવવી, તરસાલી સ્મશાન પાસે પાણી નિકાલની વ્યવસ્થા અને મકરપુરા ડેપો પાછળ પરકોલેટિંગ વેલ બનાવવાની રજૂઆત કરી હતી. સાથે જ અન્ય હાજર રહેલા કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારની પાણી ભરાવવાની સમસ્યાને લઇને રજૂઆત કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
કેટલાક ગેરહાજર રહેલા કોર્પોરેટરોએ તેમના સૂચનો લખિત રૂપે રજૂ કર્યા, પણ તેમની ગેરહાજરીએ પ્રતિનિધિત્વ અંગેના પ્રશ્નો ઊભા કર્યા છે.
વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ બેઠકમાં ગેરહાજર રહેતા કહ્યું, “વિરોધ પક્ષની માન્યતા નથી અપાઈ, અને જો મહત્વના પ્રોજેક્ટ પણ મંજૂર ન થતા હોય તો આવી બેઠકમાં જવાની જરૂર શી?”