વડોદરા તારીખ 16
માંજલપુર વિસ્તાર બાદ કારેલીબાગમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રી બજાર પાસે ડાર્ક ફિલ્મવાળી કારને રોકતા કાર ચાલકે સિટ બેલ્ટ પહેરેલો ન હતો. કાર ચાલકને દંડ ભરવા માટે કહેતા તેણે દંડ નહી ભરવા સાથે તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી ચાલક સહિતના બે શખ્સો પોલીસનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી હરણી પોલીસે સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ ચાલક સહિત બંને શખ્સો વિરુદ્ધગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચોકડી પાસે બાઇકચાલકે સિગ્નલ તોડતા ટ્રાફિક પીએસઆઇએ તેને રોક્યો હતો ત્યારે આ બાઇક ચાલકે પીએસઆઇને ફેંટ પકડી માર માર્યો હતો. ત્યારે વધુ ટ્રાફિક પોલીસના કર્મચારી સાથે ગેરવર્તનકર્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસ પૂર્વ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઇ ભરતભાઈ સીવાભાઈ 15 ડિસેમ્બરના રોજ તેમની નોકરી હરણી રોયલમાં ઇન્ચાર્જ તરીકે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ રણસિંહ સાથે હતી. કારેલીબાગ રાત્રી બજારના એલ એન્ડ ટી સર્કલ નજીક ફરજ બજાવી પીઓએસ મશીન દ્વારા વાહનોને ઉભા રાખીને સમાધાન શુલ્ક ભરવાની કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાન અમિતનગર તરફથી એક કાર આવી હતી. આ કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી જોવા મળતા ટ્રાફિક પોલીસ દ્વારા કાર ઊભી રખાવી હતી. ત્યારે કારમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા શખ્સે સીટ બેલ્ટ પેહરેલો ન હતો. તેનું નામ પુછત દર્શ હસમુખ ટેલર અને તેઓની બાજુમા બેઠેલા ચેતન સુરેશ સાવંતે (બંને રહે.વાઘોડીયા ગામ) જાણવા મળ્યું હતું. દર્શ ટેલર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, ડાર્ક ફિલ્મ તથા સીટ બેલ્ટ ના પહેર્યો હોય પીઓએસ મશીનમાં ઓનલાઇને યુપીઆઈ દ્વારા સમાધાન શુલ્ક ભરવાનુ જણાવ્યું હતું. ત્યારે કાર ચાલકે એએસઆઇને સમાધાન શુલ્ક ભરવાની ના પાડીને ગાડીની ચાવી કાર પર રાખી તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપીને ટ્રાફિક પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. દરમિયાન કાર ચાલક સાથે આવેલા શખ્સ ચેતન સાવને મોબાઇલથી વિડીયો ઉતારવાનું ચાલુ કરી ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપ કરવા લાગ્યા હતા. જેથી એસઆઇએ પોલીસના 100 નંબર ઉપર ફોન કરતા હરણી પોલીસ સ્થળ પર આવી પહોંચી અને કાર ચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.