Vadodara

વડોદરા : તુલસીવાડી હાથીખાના રોડ પર લોકોના મકાનો-દુકાનોમાં વરસાદી પાણી પ્રવેશ્યા

રોડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ

તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિથી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ અવિરત જારી જોવા મળ્યો છે, તેવામાં આજે સવારે શહેરના તુલસીવાડી હાથીખાના રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું. બીજી તરફ માર્ગ પર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પૂરના પ્રકોપને નાથવા માટે હાલ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે શહેરમાં આવેલા વાવાઝોડા બાદ ત્રાટકેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે. મંગળવારે રાત્રે થી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યો છે. ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના તુલસીવાડી રોડ હાથીખાના પાસે રામદેવપીરની ચાલી સહિતના લોકોના ઘરોમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા હાલાકી વેઠવાની ફરજ પડી છે. જ્યારે માર્ગ ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે, પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top