રિફાઈ (રહે.) ના ૧૮૫ માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી
વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા-હે-આલિયા રિફાઈયા ખાતે આગામી તા. ૨૦ થી તા. ૨૩ મી સપ્ટેમ્બર દરમિયાન કોમી એકતાના પ્રતિક સમા ફખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૫ માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજ્જાદા નશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સૈયદ મોઈનુદ્દીન (ઉર્ફે નૈયરબાબા) રિફાઈ અને સૈયદ હિસામુદ્દીન રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિવર્ચન પાઠવશે.
આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા. ૨૦-૦૯-૨૦૨૫ ને શનિવાર ના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર “શાને રિફાઈ’ નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાંની નમાઝ બાદ “ઝિક્રે રિફાઈ” ની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા. ૨૧-૦૯-૨૦૨૫ ને રવિવાર ના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગશ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે. તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. તા. ૨૨-૦૯-૨૦૨૫ ને સોમવારે સાંજે ૫-૦૦ કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે. તા. ૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવાર ના રોજ ઝોહર ની નમાઝ પછી કુલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવશે અને રાત્રે ઈશાં ની નમાઝ બાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે.