અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી હતી
પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી પરીણિતાને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા પતિને બે દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલા એક્તાનગરમાં રહેતા જાવેદ મન્સુરી તેની પત્ની તથા બે સંતાનો સાથે રહેતો હતો. પરંતુ પત્ની તસ્લીમને લગ્ન પહેલા અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેની સાથેના વિડીયો પણ પતિએ જોઇ લીધી હતા. જેથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. દરમિયાન પતિ પત્નીને મૌલવી પાસે પણ લઇ ગયો હતો. તેમ છતાં પત્ની પતિને કહેતી હતી કે તમે મને મારી નાખવી હોય તો મારી નાખો પરંતુ મારા મગજમાંથી મારો પ્રેમી જવાનો નથી. જેથી ઉશ્કેરાયેલા પતિએ 7 એપ્રિલના રોજ બપોરના સમયે દુપટ્ટા વડે પત્નીને ગળા ફાસો આપીને ઠંડે કલેજે હત્યા કર્યા બાદ રિક્ષા લઇને ધંધા પર નીકળી ગયો હતો. દરમિયાન પોલીસને શરૂઆતથી જ પતિ પર શંકા હોય તેની કડકાઇથી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તે ભાંગી પડ્યો હતો અને વટાણા વેરી નાખ્યાં હતા. પત્નીને પ્રેમીને છોડવા માગતી ન હોય મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપીને વધુ પૂછપરછ કરવા માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન 9 એપ્રિલના રોજ રિમાન્ડ પૂરા થતા પોલીસે હત્યારા પતિને કોર્ટમાં ફરી રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે હત્યારાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
