વડોદરા તારીખ 7
વડોદરા ના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે રીક્ષા ચાલક પતિ અને પુત્ર સાથે પરિણીતા રહેતી હતી. બપોરના સમયે દીકરો બહાર રમવા ગયો હતો તે દરમિયાન પત્ની ઘરમાં ઊંઘી ગઈ હતી. પરત ઘરે આવેલા પુત્રએ માતાને ઉઠાડવા માટેના પ્રયાસ કર્યા પરંતુ તે ઉઠ્યા ન હતા. જેથી બાળક ગભરાઈ ગયો હતો અને પાડોશીઓ તથા પિતાને ફોન કરી જાણ કરી હતી. દોડી આવેલા પતિએ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેને તબીબે મૃત જાહેર કરી હતી. બીજી તરફ પરિણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીના શરીર પર ઇજાના નિશાન હોય તેની સાથે કોઈ ઘટના ઘટી હોવાના આક્ષેપ કર્યા છે. જેથી મહિલાના શંકાસ્પદ મોતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. હવે આ હત્યા છે કે પછી કુદરતી મોત છે તેનું કારણ પીએમના રિપોર્ટ બાદ જાણી શકાશે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલા એકતાનગરમાં રહેતા તસ્લિમ મન્સૂરી નામની મહિલા ખેંચની બીમારીથી પીડાતા હતા. 6 એપ્રિલના રોજ બપોરના સમયે પતિ અને પુત્રો સાથે જમ્યા બાદ મહિલાના પતિ રીક્ષા લઈને ધંધા પર નીકળી ગયા હતા.તેમનો 14 વર્ષના પુત્ર પણ બહાર રમવા માટે ગયો હતો. જ્યારે પુત્ર પરત ઘરે આવ્યો હતો ત્યારે માતા ઊંઘી રહ્યા હતા. તેણે માતાને ઉઠાડવા માટેના ઘણા પ્રયાસ કર્યો પરંતુ તેઓ ઉઠ્યા ન હતા. જેથી ગભરાઈ ગયેલા પુત્ર એ પોતાના પિતાને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી. પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યા બાદ તેઓએ પત્નીને હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કરી હતી. દરમિયાન મહિલાના પિયર પક્ષના લોકોને દીકરીના મોત બાબતે જાણ થતા તેઓ પણ દીકરીના ઘરે દોડી આવ્યા હતા. મહિલાના પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે દીકરીને છેલ્લા એક વર્ષથી પિયરમાં પતિ આવવા દેતા ન હતા અને તેમના શરીર પર ગળાના ભાગે ઇજા થયાના નિશાન હોય તેઓએ તેમની દીકરીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જે પી રોડ પોલીસની ટીમે તુરંત ઘટના સ્થળ પર દોડી આવીને મહિલાના શંકાસ્પદ મોતનું ચોક્કસ કારણ જાણવા મુતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે રવાના કર્યો હતો.
