Vadodara

વડોદરા : તસ્કરોની નવરાત્રિની તૈયારી, 300 નંગ ચણીયા ચોળી ચોરી ગયા

ગણપતિના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત રહેતા ચોરોને મોકળું મેદાન મળ્યું, વાઘોડિયા રોડ પર પણ એક મકાનને નિશાન બનાવ્યું


પ્રતિનિધિ, વડોદરા તા.14

વડોદરા શહેરના લાખો લોકોની સાથે તસ્કરોએ પણ નવરાત્રિની તૈયારી શરૂ કરી દીધી છે. જેતલપુરની એક દુકાનમાંથી તસ્કરો ચણીયા ચોળી ચોરી ગયા હતા.
ગણપતિના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોય તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતું. જેતલપુર રોડ પર આવેલી કપડાની દુકાનમાંથી રોકડા 45 હજાર અને 200થી 300 ચણીયા ચોળીની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા ત્રણ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે વાઘોડિયા રોડ વિસ્તારના મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી 92 હજાર મતાની ચોરી થઈ હતી.
હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરની તમામ પોલીસ ગણપતિના બંદોબસ્તમાં ગોઠવાતી હોય છે. ગઈકાલે ઐતિહાસિક જૂનીગઢી ના ગણપતિનું સાતમા દિવસે વિસર્જન હતું. આ વિસર્જન યાત્રા અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થવાની હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વિવિધ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય તસ્કરો એ તેનો લાભ ઉઠાવ્યો હતો. પ્રથમ બનાવમાં વડોદરા શહેરના જેતલપુર રોડ પર માનસી કોમ્પ્લેક્સમાં આવેલી કાપડની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો તાળું તોડ્યા બાદ શટર ઊંચું કરીને દુકાનમાં ઘુસ્યા હતા અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાજુમાં દુકાન ધરાવતા પડોશીએ દુકાન માલિક પર ફોન કરી તમારી દુકાનના તાળા તૂટ્યા છે તેમ કહેતા તેઓ દુકાને પહોંચ્યા હતા. ત્યારે વેપારીને આપવાના રોકડા 45 હજાર તથા 200 થી 300 નંગ ચણીયા ચોળી પણ તસ્કરો ચોરી ગયા હતા. વેપારીએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી કરવા માટે આવેલા ત્રણ તસ્કર કેદ થયેલા જોવા મળ્યા હતા. જેથી વેપારીએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

બીજા બનાવમાં વાઘોડિયા રોડ પર આવેલી નટરાજ સોસાયટીમાં રહેતો પરિવાર રાત્રીના જમીને ઊંઘી ગયો હતો. દરમિયાન મોડી રાત્રિના પાછળના દરવાજાનું તાળું ખોલી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરી માંથી સોના ચાંદીના દાગીના મળી 92 હજાર મતાની ચોરી કરીને નો દો ગ્યારાહ થઈ ગયા હતા. નિવૃત વૃદ્ધે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top