Vadodara

વડોદરા : તરસાલી અને ઘાઘરેટિયામાં બુટલેગરોના ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવાયો

વડોદરા તારીખ 20

જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મોટાપાયે દારૂનો ધંધો કરતા બુટલેગર મુન્ના બાદ હવે તરસાલી તથા ઘાઘરેટિયા વિસ્તારમાં બુટલેગર શંભુ, વિપુલ પંચાલ અને રીઢો આરોપી ગોવિંદ સીકલીગરના ગેરકાયદે દબાણ પર પોલીસ અને પાલિકાની ટીમ ત્રાટકી હતી. ત્યારબાદ કરાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.અસામાજિક તત્વો પર પોલીસે સપાટો બોલાવતા અન્ય દારૂ જુગાર સહિતના વિવિધ ગુનામાં સંડોવાયેલા બુટલેગરો સહિતના શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે કયા વિસ્તારમાં દારૂનો ધંધો કરતા બુટલેગરનો વારો આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

વડોદરા શહેરમાં રાજ્ય ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા દ્વારા 100 કલાકના ઓપરેશન દરમિયાન પ્રોહિબિશન જુગાર મિલકત સંબંધી સહિતના વિવિધ પ્રકારના ગુનાઓ આચરનાર અસામાજિક અને માથાભારે તત્વો કાર્યવાહી કરીને તેનું લિસ્ટ તૈયાર કરવા સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે વડોદરા શહેર પોલીસનું તંત્ર એક્શનમાં આવી ગયું છે અને પાલિકાની જમીન પર ગેરકાયદે બાંધકામ તેમજ દબાણ કરીને દારૂ જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો સહિતના શખ્સો વિરુદ્ધ સપાટો બોલાવવાનો શરૂ કરવામાં આવ્યું છે. 19 માર્ચના રોજ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચવટી કેનાલ પાસે આવેલા બૂટલેગર મુન્નાના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. જેને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે આજે 20 માર્ચના રોજ મકરપુરા પોલીસ અને પાલિકાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘાઘરેટિયા તથા તરસાલી વિસ્તારના મોટાપાયે દારૂનો ધંધો કરતા બુટલેગર શંભુ તથા વિવિધ ઘર ચોરીના ગુનામાં સંડોવાયેલા ગોવિંદ સીકલીગર દ્વારા પાલિકાની જમીન પર ગેરકાયદે દબાણ પર કરાયું હતું. જેના કારણે તેમના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવીને તમામ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. બુટલેગરો દ્વારા તેમના વિસ્તારમાં દારૂનો ધંધો કરવા માટે ગેરકાયદે જમીનો પર મકાનો બાંધી દીધા હતા. જેના કારણે હવે આ બુટલેગરને શોધીને તેમના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ઘાંઘરેટીયા ગામમાં લિસ્ટેડ બુટલેગર વિપુલ પંચાલ ના ઘરને પણ સીલ કરવામાં આવ્યું હતું. 20 માર્ચના રોજ ઝોન 3 માં સપાટો બોલાવવામાં આવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં કયા બુટલેગરને ત્યાં પાલિકા અને પોલીસની ટીમ ત્રાટકશે. જેને લઈને બૂટલેગરોમાં એક પ્રકારનો ભયનો માહોલ ફેલાયો છે. જોકે બુટલેગર તથા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Most Popular

To Top