Vadodara

વડોદરા: તરસાલીમાં પેટ્રોલ પંપ માલિકની દાદાગીરી; BMWમાં આવી જૂના કર્મચારી પર કર્યો જીવલેણ હુમલો

₹22 હજારની ચોરીનો આક્ષેપ લગાવી 5થી વધુ શખ્સો ધારિયા-દંડા સાથે ત્રાટક્યા; હુમલામાં યુવકના બંને હાથમાં ફ્રેક્ચર થતા ચકચાર

વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં નાણાકીય લેતી-દેતીના વિવાદમાં એક પેટ્રોલ પંપ માલિક દ્વારા તેના જ જૂના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. BMW કારમાં આવેલા 4 થી 5 શખ્સોએ લાકડાના દંડા અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ હુમલામાં કર્મચારીના સાળાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી રાકેશભાઈ રાવળ જ્યારે પોતાના પુત્ર સાથે શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પૂર્વ માલિક યુવરાજસિંહ મહિડાએ તેમને રસ્તામાં રોક્યા હતા. યુવરાજસિંહે રાકેશભાઈ પર ₹22,000ની ચોરીનો આક્ષેપ લગાવી ગાળાગાળી કરી મારપીટ કરી હતી.
આ ઘટના બાદ સાંજના સમયે જ્યારે રાકેશભાઈ તેમના સાળા મેલાભાઈ સાથે ઊભા હતા, ત્યારે આરોપી યુવરાજસિંહ, રાજવીરસિંહ, જયરાજસિંહ, હંસરાજસિંહ અને અન્ય ચાર-પાંચ અજાણ્યા શખ્સો BMW કારમાં ધસી આવ્યા હતા. આ શખ્સો પાસે લાકડાના દંડા અને ધારિયા જેવા હથિયારો હતા. તેઓએ રાકેશભાઈ અને તેમના સાળા પર તૂટી પડી જીવલેણ હુમલો કર્યો હતો.
આ હિંસક હુમલામાં રાકેશભાઈના સાળા મેલાભાઈને બંને હાથમાં ફ્રેક્ચર થયું છે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે રાયોટિંગ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top