દવાખાનાનું સરનામું પૂછવાના બહાને ઘરમાં આવ્યા બાદ મહિલાને બાથરૂમમાં પુરી ચોરી કર્યાની યુવતીની કબૂલાત

વડોદરા તા.4
તરસાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને બાથરૂમમાં પૂરી દીધા બાદ પાડોશી યુવતીએ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી હતી. દરમિયાન યુવતી ઘરેણા વેચાણ કરવાની ફીરાકમાં ફરતી હોય ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. શંકાસ્પદ યુવતીની પૂછપરછ . તેણે દવાખાનાનું સરનામું પૂછવાના બહાને પડોશીના ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ચોર યુવતી પાસેથી સોના ચાંદીના દાગીના મળી રૂ.3.01 લાખની મતા રિકવર કરી મકરપુરા પોલીસને સોંપવામાં આવી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા મીનાક્ષીબેન રાજપુતના પતિ 30 નવેમ્બરના રોજ સવારે ધંધા પર ગયા હતા. ત્યારે દીકરો તેના રૂમમાં ઊંઘતો હતો. ત્યારે સવારના સમયે તેમના મકાનમાં નીચે રહેતી નીતુ અલ્કેશ શાહ પેટમાં દુખાવો થતો હોય ત્યારે મીનાક્ષીબેને દવાખાના બાબતે પૂછવા આવી હતી. જેથી મહિલાએ આ નીતુ શાહને દવાખાનાનું સરનામું જણાવતા ઘરમાંથી નિકળી ગઈ હતી. પછી મીનાક્ષીબેન બાથરૂમમાં ગયા હતા. ત્યારે કોઈ ઘરમાં આવ્યું હતું અને મહિલાના બાથરૂમ નો દરવાજો બહારથી બંધ કરી દીધા બાદ કબાટમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા મળી રૂ.1.40 લાખની ચોરી કરી પલાયન થઈ ગયું હતું. જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ 3 ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. ત્યારે અમર શ્રધ્ધા વુડાના મકાન પાસેથી નીતુ શાહ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. મહિલા પોલીસ દ્વારા નીતુ શાહની જડતી કરાઈ હતી. ત્યારે તેની પાસેથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેથી આ દાગીના બિલ સહિતના પુરાવા માંગતા નીતુ શાહ રજૂ કરી શકી ન હતી અને ગલ્લા તલ્લા કરવા લાગી હતી ત્યાર બાદ તેની સઘન પૂછપરછ કરતા યુવતીએ વટાણા વેરી નાખ્યા હતા અને વિજયનગરમાં રહેતા મીનાક્ષીબેનના ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે યુવતી પાસેથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 3 લાખ ઉપરાંતની મતા કબજે કરી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે.