પ્રતિનિધિ વડોદરા તા.15
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી રીતે બાબર પઠાણ દ્વારા ચાકુના ઘા ઝિંકીને હત્યા કરાઇ હતી. જેમાં પોલીસે 10 આરોપીઓને ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા છે. ઘટનાને બે મહિનાનો સમય થવા આવ્યો છે. ત્યારે સાક્ષીઓ, એફએસએલનો રિપોર્ટ, સીસીટીવી અને વીડિયો ફુટેજ તેમજ સીડીઆર એનાલિસીસ ઉપરાંત 121 સાક્ષીઓની પણ તપાસ કરાઇ છે. તમામ પુરાવાઓ સાથેનું 1206 પાનાનું ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા મુદ્દે રીઢા આરોપી બાબરખાન પઠાણના સાગરિતો અને અન્ય હિન્દુ યુવકો વચ્ચે જુગાર રમતા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં બંને કોમના યુવકો સામસામે આવી જતા બાબરખાન પઠાણ સહિતના આરોપીઓએ હિન્દુ યુવક પર ચાકુથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી નાગરવાડા વિસ્તારમાં રહેતા પૂર્વ ભાજપના કોર્પોરેટર રમેશ ઉર્ફે રાજા અને તેમના પુત્ર તપન પરમાર તેમજ વિસ્તારમાં લોકો દોડી ગયા હતા. પરંતુ રોષે ભરાયેલો બાબર પઠાણ પણ ત્યાં સારવાર માટે આવ્યો હતો. દરમિયાન તેને જાણ થઇ હતી કે તપન પરમાર પણ યુવકને જોવા માટે હોસ્પિલમાં આવ્યો છે અને તાત્કાલિક વિભાગની બાજુમાં આવેલા કેન્ટીન પાસે ઉભો છે. જેથી બાબર પઠાણ સહિતના આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તપનને માર માર્યા બાદ બાબરે ચાકુના ઘા ઝિંકી તેને મોતને ઉતારી દીધો હતો. પોલીસે બાબર પઠાણ સહિતના 10 આરોપીની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા હતા. જેથી કેસની તપાસ કરનાર અધિકારી જી બી બાભણીયાએ આરોપીઓ વિરુદ્ધ સમયસર ચાર્જશીટ તૈયાર કરવાનું હોય ઘટનાને નજરે જોનાર 121 સાક્ષીના નિવેદન લેવાયા છે. પંચનામા, પીએમ નોટ, ઓળખ પરેડ, બનાવ સ્થળનો નકશો ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત એફએસએલના અધિકારીઓ દ્વારા સ્થળ પરીક્ષણનો અહેવાલ , વોઇસ સ્પેકટ્રોગ્રાફી, ડીએનએ પ્રોફાઇલિંગ, સીસીટીવી તથા વીડિયો એનાલીસીસ અને સીડીઆર સહિતના પુરાવા મેળવવામાં આવ્યા છે. ત્યારે મર્ડર કેસના આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવાઓ સહિતના દસ્તાવેજો મળીને 1206 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
– હત્યાના પ્રયાસના બનાવમાં પણ 47 જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયાં
નાગવાડા વિસ્તારમાં કરાયેલા હત્યાની પ્રયાસના ગુનામાં કારેલીબાગ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરાઇ છે. હાલમાં આરોપીઓ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ દ્વારા ચાર્જશીટ કરવા અગત્યના દસ્તાવેજી સહિતના પુરાવા એકત્ર કરાયા છે. ઉપરાંત 47 જેટલા સાક્ષીઓના પણ નિવદનો લેવામાં આવ્યા છે. ત્યારે પુરાવા અને સાક્ષીઓ સાથેનું 603 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાયું છે.
– બંને કેસોમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ધારાશાસ્ત્રી નિતિન ભાવસારની નિયુક્તી
હત્યા અને હત્યાના પ્રયાસના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન -2 અભય સોની દ્વારા અપાયેલી સૂચના હેઠળ ચાર્જશીટ તૈયાર કરાઇ છે.ઉપરાંત આ કેસોના અસરકારક પ્રોસિક્યુશન માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની દરખાસ્ત કરાઇ છે. જે મંજૂર થતા હવે બંને કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી નિતિન ભાવસાર નિયુક્તી કરાઇ છે.