દીપક શર્માના રિમાન્ડ દરમિયાન નીરવ સોલંકીનું નામ બહાર આવ્યું, વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરાઈ
મુંબઇના ડ્રગ માફિયા સાજીદ ઇલેક્ટ્રીકવાલાના અપહરણ કેસમાં વડોદરાનું કનેક્શન બહાર આવ્યું હતું. જેથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં જ ખોડીયારનગર વિસ્તારમાંથી દીપક શર્માની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે તેની પૂછપરછ દરમિયાન નીરવ સોલંકીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું. પરંતુ બુટલેગર નીરવ સોલંકી દારુના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હોવાના કારણે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા આવી હતી અને કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યા બાદ આરોપીની ટ્રાન્સફર વોરંટી ધરપકડ કરીને મુંબઈ પરત રવાના થઈ ગઈ હતી.
મુંબઇના કુખ્યાત ડ્રગ માફીયા સાજીદ ઇલેક્ટ્રીકવાલાનું પણ અપહરણ થયું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી આ કેસની સમગ્ર તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળતા ડ્રગ માફીયા અને બિલ્ડરનું અપહરણ કરવામાં સામેલ મુખ્ય સૂત્રધાર સરવર ખાન અને વડોદરાના દીપક નંદકિશોર શર્મા (રહે. મોતીભાઇ પાર્ક, ખોડીયારનગર, વડોદરા) સહિત 11 આરોપીની ધરપકડ કરી લેવમાં આવી હતી. જ્યારે દિપક નંદ કિશોર શર્માને ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ તેના ખોડીયાર નગર ખાતેના મકાનમાંથી દબોચી લીધો હતો. તેની ધરપકડ કર્યા બાદ આ દીપક શર્માને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરીને 29 જુલાઇ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વડોદરાના બુટલેગર નીરવ સોલંકીની સંડોવણી પણ બહાર આવી હતી. જેથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીરવની તપાસ કરતા આ આરોપી દારૂના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા આવી પહોંચી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આરોપી નીરવ સોલંકીની ટ્રાન્સફર વોરંટ ના આધારે ધરપકડ કરી મુંબઇ પરત જવા માટે રવાના થઈ ગઈ હતી.