સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

(પ્રતિનિધિ) વડોદરા તા.14
શહેરના ડભોઇ રિંગ રોડ ઉપર આવેલા અનમિત હોસ્પિટલમાં રવિવારે સવારે પ્રસુતિ માટે દાખલ કરવામાં આવેલ મહિલાની ડિલિવરી દરમિયાન નવજાત નું મૃત્યુ નિપજતાં પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબની બેદરકારી તથા ત્યારબાદ પ્રસુતાની મહિલાની દેખરેખ અને સારસંભાળ માટે પણ ચાર વાગયા સુધી હોસ્પિટલમાં કોઇ તબીબ અને નર્સિંગ સ્ટાફ ન હોવાના ગંભીર આક્ષેપો સાથે પરિજનોએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તબીબની પૂછપરછ તપાસ હાથ ધરી છે

શહેરના ડભોઇ રિંગ રોડ ઉપર આવેલા સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષમા અનમિત હોસ્પિટલ આવેલી છે. વડોદરાના અને ભરુચ ખાતે સાસરીમા રહેતા વિશાખાબેન પ્રશનીલ ભરુચા કે જેઓ સગર્ભા થતાં તેઓની છેલ્લા ત્રણેક મહિનાથી આ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેઓને રવિવારે લેબર પેઇન થતાં સવારે સાત વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રસુતાને બે થી ત્રણ વખત પ્રસવ પીડા થતાં વિશાખાબેનના પતિ અહીં ડોક્ટરને કહેવા માટે ગયા હતા ત્યારે તેઓને તબીબ અને ફરજ પરના સ્ટાફ દ્વારા નોર્મલ ડિલિવરી ની વાત કરવામાં આવી હતી પરંતુ મહિલાથી પ્રસવ પીડા સહન થતી ન હોય પોતે સિઝર માટે વિનંતી કરી હતી તેમ છતાં હોસ્પિટલના તબીબે વાત સાંભળી ન હતી ત્યારબાદ વિશાખાબેનને પ્રસુતિ રૂમમાં લઇ ગયા હતા જ્યાં કોઇપણ પ્રકારની સારવાર વિના જ પ્રસુતિ થતાં નવજાત શિશુ હલનચલન કરતું ન હોય તબીબો સોમા તળાવ પાસેના આશ્રય હોસ્પિટલમાં બાળકને લઈ ગયા હતા જ્યાં નવજાતને તપાસતાં તે મૃત હોવાનું જાહેર કર્યું હતું. પરિવાર દ્વારા હોસ્પિટલ પ્રશાસન ની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે જો નોર્મલ ડિલિવરી શક્ય ન હતી તો હોસ્પિટલના તબીબે પરિવારને જાણ શા માટે ન કરી? જો બાળક માતાના પેટમાં જ મૃત્યુ પામ્યું હોત તો માતાની હાલત સ્થિર કેવી રીતે રહી શકત? ડિલિવરી બાદ પ્રસુતાની સારવાર માટે પણ કોઇ સ્ટાફ સાથે ન હોવાના આક્ષેપો પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે સાથે જ ડિલિવરી દરમિયાન તબીબ અને સ્ટાફની બેદરકારીના ગંભીર આક્ષેપો તદ્પરાંત મૃત્યુ બાદ પણ નવજાત શિશુની નાળ પરથી કાતર ન હટાવાઇ હોવાના આક્ષેપો સાથે પરિવારે ન્યાયની માંગણી કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ ના તબીબ અને સ્ટાફ સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.