સયાજીબાગમાં પશુપક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા :
બતકો માટે ખાસ ઘાસનું ઘર તથા સસલા માટે ફ્લડ લાઇટ લગાવવામાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીના તાપમાનમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની અસર લોકોની સાથે સાથે હવે અબોલ પશુ પક્ષીઓને પણ થવા લાગી છે. જેના ભાગરૂપે કોર્પોરેશન સંચાલિત સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.




વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સયાજી બાગમાં ઓપન પક્ષી ઘર કરાવેલું છે. જેમાં નગરજનો, બહારથી આવતા સહેલાણીઓ પક્ષીઓને મુક્ત વાતાવરણમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં ફરતા અને રમતા જોઈ શકાય છે. જેમાં ભારતીય અને વિદેશી પક્ષીઓને પ્રાકૃતિક વાતાવરણમાં લોકો નિહાળે છે. વડોદરા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી શિયાળો પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. શિયાળાની ઋતુમાં નાગરિકોની સાથે સાથે અબોલ પશુ પક્ષીઓને પણ ઠંડીનો અહેસાસ થતો હોય છે. આવા સંજોગોમાં સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પક્ષી ઘરમાં સૂકા ઘાસની પથારી અને ખાસ પ્રકારના ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે જ્યારે માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં બતકો માટે ખાસ ઘાસનું ઘર તથા સસલા માટે ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે.