ઇટાવાથી સુરત આવતી મહિલા રિઝર્વેશન કોચમાં ઊંઘી ગયા ત્યારે ગઠિયો રૂ. 1.02 લાખની મતા ભરેલું પર્સ લઈ ફરાર
મહિલા સોનાના દાગીના રકમ સહિતના સામાન ભરેલું પર્સ બારી પાસે મૂક્યું ઊંઘી ગયા હતા ત્યારે ચોરે ખેલ પાડ્યો
વડોદરા તા.3
ઇટાવા રેલ્વે સ્ટેશનથી મહિલા ટ્રેનમાં બેસીને સુરત આવી રહ્યા હતા. દરમિયાન રિઝર્વેશન કોચમાં તેઓ ઊંઘી ગયા હતા તેનો લાભ લઈને કોઈ ગઠિયો બારી પાસે મૂકેલું તેમનું સોનાના દાગીના અને રકમ મોબાઇલ સહિતની રૂપિયા 1.02 લાખની મતા ભરેલું પર્સ ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયો હતો. રેલવે પોલીસ દ્વારા અવારનવાર મુસાફરોના સામાન ચોરનાર શખ્સોને ઝડપી પાડવામાં આવે છે પરંતુ ટ્રેનમાંથી થતી સામાનની ચોરી યથાવત રહેવા પામી છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં સુરત ખાતે તિરૂપતિ બાલાજી સોસાયટીમાં રહેતા મધુબેન પિયુષભાઈ યાદવને
ગત 27 જૂનના રોજ ઇટાવા રેલ્વે સ્ટેશનથી સુરત આવવાનુ હતું. જેથી તેઓએ અવધ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું અને ઈટાવાથી ટ્રેનમાં એકલા મુસાફરી કરી આવતા હતા. તેમની પાસે લેડીઝ પર્સ હોય તેઓ બારીની પાસે સીટ ઉપર રાખી ઊંઘી ગયા હતા. તે દરમ્યાન વડોદરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા આશરે અઢીથી ત્રણ કિમી દૂર ટ્રેન ઉભી રહી હતી અને ટ્રેન ધીમી ધીમી આગળ વધી રહી હતી. ત્યારે કોઇ શખ્સ બારીમાં હાથ નાખી મહિલાનું પર્સ ખેંચી લઇ ભાગી ગયો હતો. આ પર્સમાં એક મંગળસુત્ર રૂ. 65 હજાર, એક કાનની બુટ્ટી સેર વાળી રૂ.25 હજાર, એક આંગળાના પહેરવાની વિંટી રૂ.7 હજાર, બેંકનું એ.ટી.એમ. કાર્ડ, અસલ આધાર કાર્ડ રેલ્વે મુસાફરીની ટીકીટ, મોબાઇલ, રોકડ રૂપીયા 4 હજાર મળી કુલ રૂ.1.02 લાખની માલ મતા હતી. મહિલા મુસાફરી દરમિયાન ઊંઘી ગયા હતા તે દરમિયાન તેમની ઊંઘ નો લાભ લઈને ગઠીયાએ ખેલ પાડ્યો હતો. જેથી મહિલાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આ પર્સ ચોર ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.