વડોદરા તારીખ 26
ઇન્દોરનો યુવક લિંગમ પલ્લી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને આવતો હતો તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પહેલા તેમની ઊંઘનો લાભ લઈને કોઈ ગઠિયો રૂપિયા 69 હજારની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી યુવકે વડોદરા રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા શ્રેયસ સુધીરકુમાર જયસ્વાલ ગત 20 જુલાઈ ના રોજ લિંગમ પલ્લી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તેઓ એસ/1 સીટ નં.76 ઉપર મુસાફરી કરીને આવતા હતા. તે દરમ્યાન તેઓ ઊંઘી ગયા હતા અને વડોદરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા ઊંઘમાંથી જાગીને જોતા તેઓએ સીટ નીચે રાખેલુ રૂ.4 હજાર તથા લેપટોપ આધારકાર્ડ, ડેબિટ કાર્ડ તથા એસબીઆઈ બેંકનું ડેબિટ કાર્ડ મળી કુલ રૂ. 69 હજારની મતાનું ભરેલું પર્સ કોઈ ગઠિયો તેમની ઊંઘ નો લાભ લઈને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જેથી તેઓએ વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની ઊંઘનો લાભ લઈને અવારનવાર ગઠિયાઓ સામાન સહિત મોબાઇલની ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે.પોલીસ દ્વારા આવા ગઠિયાઓને વહેલી તકે ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.