વડોદરા તા.27
રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઉંઘનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા બે શખ્સોને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 19 આઇફોન, આઈપેડ સહિતના મોબાઇલ ફોન તથા લેપટોપ તથા સોના ચાંદીના દાગીના મળી રૂા.10.51 લાખની માલમતા રીકવર કરતા 4 રેલવે ચોરીના ભેદ ઉકેલાયા છે.
પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ત્યારે વડોદરા રેલ્વે એલસીબી પોલીસની ટીમ રેલ્વેમાં ચોરી કરતા શાખાસોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને 27 ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવર બ્રીજ નીચે શકમંદ હાલતમાં ઉભેલા છે. જેથી રેલવે એલસીબી ટીમ બાતમી મુજબના સ્થળ પર જઈને તપાસ કરતા સરવન ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંગ સ્વામીદયાલ યાદવ (રહે. દિલ્હી, મુળ ઉત્તરપ્રદેશ) તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેશરી પ્રસાદ (રહે. ઉત્તરપ્રદેશ હાલ રહે. ન્યુ દિલ્હી)ને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી લેપટૉપ, આઈ.ફોન, આઈપેડ સહિતના અલગ-અલગ મોબાઈલ મળી 19 ઈલેકટ્રીક વસ્તુઓ, સોનાના તથા ચાંદીના દાગીના સહિત રૂ. 10.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રઈશ ઉર્ફે છીદા (રહે.ન્યુ દિલ્હી) વોન્ટેડ જાહેર કર્યો છે. વડોદરા રેલવે પોલીસના નોંધાયેલા તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એકસપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિત 4 ગુનાના ભેદ ઉકેલાયા છે.